સંભવિત ત્રીજી લહેરના સામના માટે એવી સાવધાની રાખે જાણે બીજી લહેર ગઇ જ નથી

અદાણી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો અને તબીબોએ કહ્યું કોઇની વાતમાં આવ્યા વિના વેક્સિન લ્યો : ત્રીજી લહેરને નાથવા વેક્સિન જ બહેતર વિકલ્પ

ભુજ : કચ્છમાં બે મહિના પહેલા કોરોના સંક્રમિતોનો આંક રોજેરોજ બસો અથવા તેને પાર પહોંચી જતો પરંતુ હવે માત્ર બે કે ત્રણ ઉપર આવી રહી ગયો એટ્‌લે લોકડાઉન અને પ્રતિબંધો ધીમે ધીમે હટી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે લોકોની જવાબદારી બને છે કે, તેઓ વધુ ધ્યાન રાખે અને એ રીતે સાવધાની વર્તે કે કોરોનાની બીજી લહેર હજુ ગઈ જ નથી. અદાણી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો અને જુદા જુદા વિભાગના તબીબોએ લોકોને જાગૃત અને સાવધાન રહેવા ઉપર ભાર મૂકી કહ્યું કે, બીજી લહેરના દારૂણ દ્રશ્યો દરેકે જાેયા છે. અને તેવામાં ત્રીજી લહેર દરવાજે દસ્તક દઈ રહી છે.એવા સજાેગોમા રાજ્ય સરકાર, તંત્ર અને હોસ્પિટલ પોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત છે પરંતુ, લોકોએ વ્યક્તિગત રીતે સાવધાની રાખશે તો ત્રીજી લહેર આપણું કઈ જ નહીં બગાડી શકે. ડોક્ટર્સ અને પ્રોફેસર્સે વધુમાં જણાવ્યુ હતું કે, ત્રીજી લહેર પહેલા નિષ્ણાંતો જે સલાહ આપે છે. તે અનુસરવા જેવી છે. લોકોએ જે બીજી લહેરમાં સાવધાની રાખી અને કોરોનાને ભગાડ્યો એમ અત્યારથી જ એવું વર્તન કરવાની જરૂર છે. આપણી બધા કોરોનાનો આંક જાેઈને સાવચેતી સાથે બાંધછોડ કરી લઈએ છીએ. કોરોના ઘટ્યો એટ્‌લે ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી. પૂરો માસ્ક પહેરતા નથી. હવે કોઈને મળવા – હળવામાં વાંધો નથી. વારંવાર હાથ નહીં ધોઈએ તો ચાલશે અને સોશિયલ ડીસ્ટેન્સ માટે છૂટછાટ લઈએ છીએ. એવી રીતે લોકો જાતે જ અનુકૂળ નિયમ બનાવી લે છે જે ઘણીવાર ઘાતક પુરવાર થાય છે
કોરોનાની બીજી લહેરનો ગ્રાફ જે ઝડપે ઉપર ગયો એ જ ગતિએ નીચે આવ્યો પણ ત્રીજી લહેર નવો ડેલ્ટા પ્લસ વેરીઅંટના નામે ઊભી જ છે. કેટલાક રાજ્યોમાં દેખા પણ દીધી છે. આ ડેલ્ટા પ્લસ વેરીઅન્ટને ઓળખવા માટે દેશની ખ્યાતનામ લેબોરેટરીનું કોન્સોટીયમ બનાવવામાં આવ્યું છે. અત્યારે તેમનું તારણ એ છે કે, કોરોનને રોકવા માટે વેક્સિન જ શ્રેષ્ઠ ઉપાય છે આપણે જે ઉત્સાહથી ૨૧મી જૂનના રોજ યોગા દિવસે રસી લીધી એ જ ઉત્સાહ જાળવી રખાશે તો વાંધો નહીં આવે. રસી વિષે અફવા માટે તબીબોએ સલાહ આપી કે કોઇની વાતમાં આવવાની જરૂર નથી. જેમણે વેકસીન ન લીધી હોય એ વહેલી તકે લઈ લે એ જ કોરોનાથી બચવાનો બહેતર વિકલ્પ છે.