સંગમ ચાર રસ્તા પાસે અપશબ્દો બોલનાર યુવકને છરીના ઘા ઝીંકનાર ઝડપાયો

(જી.એન.એસ)વડોદરા,વડોદરાના સંગમ ચાર રસ્તા પાસેના સંવાદ ક્વાટર્સમાં સોમવારે મોડી રાત્રે ઊંચા અવાજે અપશબ્દો બોલનાર યુવકને રહેણાંક વિસ્તાર હોવાથી અપશબ્દો નહીં બોલવા સમજાવતા ઉશ્કેરાયેલા યુવકે ચપ્પુના ઉપરા છાપરી ૧૨ જેટલા ઘા ઝીંકી દઈ ફરાર થઇ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવ અંગે વારસિયા પોલીસે હુમલાખોર વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલા સંવાદ ક્વોટર્સમાં અલ્પેશ વેન્સિમલ લાલવાણી સોમવારે મોડી રાત્રે ઘર આંગણે મિત્રો સાથે બેઠો હતો. તે સમય મહોલ્લામાં આવેલા જવાહરફળિયામાં રહેતો જીગર મુકેશભાઇ બ્રહ્મભટ્ટ ઊંચા અવાજે અપશબ્દો બોલતો હતો. જેથી અલ્પેશે ઊંચા અવાજે અપશબ્દો નહીં બોલવા જણાવ્યું હતું. દરમિયાન તકરાર થતાં ઉશ્કેરાયેલા જીગર બ્રહ્મભટ્ટે પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને આજે તને જીવિત નહીં રહેવા દઉં તેમ જણાવી અલ્પેશના પેટ, પીઠ અને છાતીના ભાગે ૧૨ જેટલા ઘા ઉપરાછાપરી ઝીંકી દીધા હતા.અચાનક થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલો અલ્પેશ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો અને મદદ માટે બુમરાણ મચાવતા હુમલાખોર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા અલ્પેશને સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.સંવાદ ક્વાટર્સમાં મોડી રાત્રે બનેલા આ બનાવ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. બીજી બાજુ ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોરની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.