શ્રીલંકામાં જીત બાદ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ટોપ ૩માં પહોંચ્યું ભારત

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,શ્રીલંકા સામે મંગળવારે (૨૦ જુલાઈ) ત્રણ વિકેટની જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. દિપક ચહર અને ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયાને આ યાદગાર વિજય અપાવ્યો. આ જીત બાદ ભારતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે. આ જીત બાદ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને પોઇન્ટ ટેબલમાં ટોપ-૩ ટીમોમાં સામેલ થઈ ગઈ છે. તે જ સમયે, બાંગ્લાદેશે બીજી વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વે સામે જીત નોંધાવતા બીજા સ્થાને પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૫ રન બનાવ્યા, જેના જવાબમાં ભારતે ૪૯.૧ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૭૭ રન બનાવીને મેચ જીતી લીધી.દીપક ચહરે ભારત તરફથી અણનમ ૬૯ રન બનાવ્યા અને તે ’મેન ઓફ ધ મેચ’ જાહેર થયો. સૂર્યકુમાર યાદવે ૫૪ રનનું યોગદાન આપ્યું હતું. ભારતે ૧૯૩ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી દિપક અને ભુવીએ મળીને ટીમને વિજય અપાવ્યો હતો. દરેક ટીમને જીત માટે ૧૦ પોઇન્ટ મળે છે, જો મેચનું પરિણામ સારું ન આવે, જો રદ થાય છે કે ટાઇ હોય તો બંને ટીમોને પાંચ પોઇન્ટ વહેંચવામાં આવે છે. મેચ ગુમાવવા માટે એક પણ પોઇન્ટ આપવામાં આવતો નથી, જ્યારે ધીમી ઓવર રેટ માટે પણ પોઇન્ટ્‌સ બાદ કરવામાં આવે છે.