શ્રાવણ પૂર્વે જ કચ્છમાં જુગારની મોસમ પુરબહારમાં : પોલીસના દરોડામાં ઠેર-ઠેર ભેદભરમ-વિવાદ..!

ચુબડકમાં દેખાડેલી મસમોટી હાઈપ્રોફાઈલ જુગાર કલબની સીમા-હદનો ઉભો થયો છે વિવાદ : પ૦ લાખથી વધુના મુદામાલ હોવા ઉપરાંત સમ ખાવા પુરતો જ થયો કેસ : મોટામાથાઓના નામો રહ્યા બહારના બહાર, પોલીસની ભૂમિકામાં બેદરકારી જ દાખવાઈ, આવી કલબો તો ભાગબટાઈ વિના ચાલે જ કેવી રીતે..? નખત્રાણા પંથકની ગંગોણ જુગાર રેડમાં પણ એક ખાખીધારીનો કરી દેવાયો આબાદ બચાવ તો વળી ભચાઉ આમરડી પટ્ટામાં વાડીમાથી પકડાયેલી જુગારમાં પણ ચોપડે માત્ર પાસેરામાં પુણી સમાન નામો-મુદામાલ જ ચડયો હોવાની છે ચકચાર

ગાંધીધામ : હજુ તો શ્રાવણ મહીનાનુ આગમન થવાનુ બાકી છે તે પહેલા જ કચ્છમાં ઠેર ઠેર જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી હો તેમ જુગારના પડ મંડાઈ રહ્યા છે. પોલીસ દ્વારા રોજબરોજ જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેના પરથી જ ખ્યાલ આવી શકે છે કે ખેલીઓ શ્રાવણ પહેલા જ કચ્છમાં કેવા ઘેલમાં આવી ગયા છે? હાલમાં પણ પશ્ચીમ કચ્છમાં આવી જ એક મસમોટ જુગાર કલબ પર રાજયસ્તરેથી રેઈડ પાડવામા આવી ગઈ છે તો વળી નખત્રાણા વિસ્તારમાં પણ ગંગોણ આસપાસ જુગાર પર તવાઈ બોલાવાઈ હતી તો બીજીતરફ પૂર્વ કચ્છમા ભચાઉના આમરડી પટ્ટામાં ચાલતી જુગાર કલબ પર ધોંષ બોલાવી દીધી છે.એકતરફ જુગારીયાઓ બેખોફ બની ગયા છે તો બીજીતરફ પોલીસ દ્વારા કરવામાં આવતી આવી જુગાર પરની તવાઈ-દરોડાની કામગીરી પણ શંકાના દાયરામાં જ આવી જવા પામી રહી હેાવાની સ્થિતી ઉદભવતી જોવાઈ રહી છે. ચુબડક પટ્ટામાં જે જુગાર કલબ વિજિલન્સ ત્રાટકી તેમાં જેટલા લોકો અને મુદામાલની રકમ સામે આવી છે તેનાથી તો ૧૦ ઘણી રકમ વધારે હોવાનુ કહેવાય છે. ખેલીઓ પણ મોટામાથાઓ અને સંચાલક પણ ખુદ મોટુ માથુ હોવાનુ ચર્ચાય છે પરંતુ હજુ સુધી આવા કોઈ જ હાઈપ્રોફાઈલ નામો અહીથી બહાર આવવા પામી શકયા નથી. તો વળી બીજીતરફ તેના બીજા જ દીવસે ભચાઉના આમરડી પટ્ટામાં પણ પોલીસે દરોડો પાડયો હતો પરંતુ તે વાડીમાં પણ માત્ર ચાર લાખની મુદામાલ અને આઠ ખેલીઓ જ રેકર્ડ પર દર્શાવવામા આવ્યા હતા. હકીકતમાં અહી પણ ચાર લાખથી તો અનેકધણી મોટી રકમ મુદામાલ તરીકે રીકવર થઈ હોવાનુ મનાય છે. કઈક મોંઘીદાટ ગાડીઓ અહી ખેલીઓની હાજર હતી. છતા પણ મુદામાલ ઓછો દેખાડાયો તો કઈક ચકચારી ખેલીઓના નામો પણ પોલીસ રેકર્ડ પર દૃશાવવામાં ન આવ્યા હોવાનુ કહેવાય છે. આવી જ રીતે નખત્રાણાના ગંગોણ પટ્ટામાં પણ વાડીમાં કરવામા આવેલી રેઈડમાં પણ એક વિવાદીત ખાખીધારીએ જુગાર ખેલી રહેલા પૂર્વ ખાખીધારીને બચાવી લીધો હતો અને ફરીયાદમાં નામ ચડાવાયુ ન હોવાનુ કહવાય છે. આમ ખેલીઓ બેખોફ બનેલા છે તો બીજીતરફ પોલીસના દરોડાઓ પણ ચલકચલાણાના ભાગરૂપે પડી રહ્યા હોવાથી તે પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે. હજુ તો શ્રાવણ પુરબહારમાં નથી શરૂ થયો છતા ખેલીઓ આવા ખેલો પાડી રહ્યા છે, જયારે શ્રાવણ ચરમસીમાએ આવશે અને ખેલીઓ ગાંડાતુર બનશે ત્યારે જુગાર પર દરોડાઓને લઈને કાયદો વ્યવસ્થાને માટે કેવા કેવા પડકારો સર્જાશે તે પણ અહી વિચારવુ જ ઘટે.