શેરીસા ગામે દારુની ભઠ્ઠીઓ મુદ્દે ડીજીપીએ સાંતેજ પીઆઇ માંજરીયાને સસ્પેન્ડ કર્યા

(જી.એન.એસ.)ગાંધીનગર,ગાંધીનગરના કલોલ તાલુકાના શેરીસા ગામે ખુલ્લા ખેતરમાં બાંધેલા વિશાળ મંડપ નીચે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડો પાડી ૫૩ નંગ કેરબા ભરીને દેશી દારૂ, ૨ હજાર લીટર વોશ, ૧૧ વાહનો, ૧૧ મોબાઇલ રોકડ રકમ તેમજ દેશી દારૂ ગાળવાનાં સાધનો મળીને કુલ રૂ. ૩.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી ૮ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં સાંતેજ પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા રાજ્ય પોલીસ વડા દ્વારા સાંતેજ પીઆઈ વી. એસ. માંજરીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.કલોલ તાલુકાના શેરીસા ગામે વિશાળ મંડપ બાંધીને ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓમાં દેશી દારૂ ગાળીને અમદાવાદના બુટલેગરોને સપ્લાય કરવાના મસમોટા નેટવર્કનો આશરે સોળેક દિવસ અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક જયોતિ પટેલની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં શેરીસા ગામમાં આનંદપરામાં રહેતા નાગજી ઉર્ફે નાગેશ શકરાજી ઠાકોરની મોટાપાયે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી.આ દરોડા દરમિયાન કાચા છાપરાંમાંથી આઠ ઈસમોને આબાદ રીતે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યાંથી એસએમસીની ટીમને દેશી દારૂના ૨૪ કેરબા તેમજ ૮ ટુ વ્હીલર વાહનો પણ મળી આવ્યા હતા. બાદમાં નાગજી ઉર્ફે નાગેશ ઠાકોરનાં ખેતરમાં રેડ કરી કુલ ૮ ભઠ્ઠીઓ ચાલુ હાલતમાં ઝડપી લેવાઈ હતી.આ અંગે જાણ થતાં સાતેજ પોલીસ પણ દોડી ગઈ હતી. સ્થળ પરથી દેશી દારૂ ગાળવાની સામગ્રી એટલી મોટી સંખ્યામાં હોવાથી પોલીસને ટ્રેકટર મંગાવીને તમામ સરસામાન ભરવો પડ્યો હતો. આ દરોડા દરમિયાન કુલ ૧૮૫૫ લીટર દેશી દારૂ ભરેલા કુલ ૫૩ નંગ કેરબા, ૨ હજાર લીટર કાચો વોશ, ૧૧ વાહનો, ૧૧ મોબાઇલ, ૨૦ ખાલી કેરબા, દેશી દારૂ નું ટેમ્પરેચર માપવાનું સાધન તેમજ રોકડ રકમ સહિત અન્ય સાધનો મળીને કુલ રૂ. ૩.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૮ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. દારૂ ઝડરાયો ત્યારે સ્થાનિક પોલીસ અધિકારી તેમજ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી હતી.