શેરડી-ગંગાપર જૂથ ગ્રામ પંચાયતના વહીવટ સામે સભ્યોના સવાલ

ગટર લાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરી આડેધડ કામ થયાના આક્ષેપ

 

ભુજ :  માંડવી તાલુકાના શેરડી – ગંગાપર જૂથ ગ્રામ પંચાયતના વહીવટમાં આડેધડ કામગીરી કરાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પંચાયતના સદ્દસ્યોએ જ સરપંચ દ્વારા કરાતી મનમાની સામે સવાલો ઉઠાવીને ડીડીઓ સમક્ષ રજૂઆત કરી છે. માંડવીના શેરડી ગામે ચાલતા વિવિધ વિકાસકામોમાં મહિલા સરપંચના પતિ દ્વારા દરમિયાનગીરી કરીને ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ઉઠેલા આક્ષેપને કારણે ચકચાર મચી ગઈ છે. શેરડીના સદ્દસ્યો નારણ જખુ સંઘાર, પાર્વતીબેન અશોક સંઘાર, હમીદા આમદ જત, રાઘુ ગોવિંદ રાઠવા અને ભચીબાઈ મંગલ સંઘાર સહિતના સદ્દસ્યોએ આ સંદર્ભે ડીડીઓને રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં નારણ જખુ સંઘારના જણાવ્યા મુજબ શેરડી ગામે અગાઉ માજી ઉપસરપંચ જુસા કાસમના ઘરથી નદી સુધીની ગટર લાઈન નખાઈ હતી. રૂ. ૧.પ૦ લાખના ખર્ચે કરાયેલી કામગીરીમાં આડેધડ કામ કરીને ગેરરીતિ આચરવામાં આવી હતી. તો હાલ ફરીથી દેરાસરથી બસ સ્ટેશન સુધીની ગટરલાઈનની ૧ લાખના ખર્ચે કામગીરી કરાઈ છે, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર આચરાયું હોવાના આક્ષેપો ૮માંથી પાંચ સભ્યોએ કર્યો છે. ત્યારે શેરડી ગ્રામ પંચાયતમાં ચાલતી આડેધડ કામગીરી પર લગામ લગાવવા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.