શુક્રવારથી દુકાનો શરૂ થશે કે કેમ ? ભુજ – ગાંધીધામના વેપારીઓને સતાવતો પ્રશ્ન

કોરોના મહામારી કંટ્રોલ હેઠળ આવી જતાં દુકાનો શરૂ કરવા છુટછાટ મળે તેવી પ્રબળ સંભાવના

ભુજ : કચ્છના ભુજ અને ગાંધીધામ સહિત રાજ્યના ૩૬ શહેરોમાં કોરોના મહામારીના કારણે રાત્રી કર્ફ્યુ ઉપરાંત દિવસે કડક નિયંત્રણોના નામે મિનિ લોકડાઉન લગાવી વેપારીઓના ધંધા રોજગાર બંધ કરી દેવાયા છે. જો કે સરકાર દર વખતે લોલીપોપ આપી લોકડાઉનની મુદતમાં વધારો કરે છે. હવે નવી મુદ્દત પ્રમાણે ગુરૂવારે સરકારી જાહેરનામાની અવધી છે, ત્યારે શુક્રવારથી દુકાનો શરૂ કરવા મળશે કે કેમ તે સવાલ વેપારીઓને સતાવી રહ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલી છે, પણ ગારમેન્ટ, ફૂટવેર, ઈમીટેશન, સ્ટેશનરી, સલુન સહિતની દુકાનો બંધ હોવાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. લગ્નો અને તહેવારોની સીઝનમાં કપડાની દુકાનો બંધ રહેતા વેપારીઓને ફટકો પડવા સાથે લોકોને પણ ખરીદી માટે ગામડાઓ તેમજ અન્ય શહેરોમાં જવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી. છેલ્લા એક મહિનાથી રાત્રી કર્ફ્યુ અને દિવસે નિયંત્રણના નામે અઠવાડિયાની મુદત વધારી સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના મહામારીના કેસોમાં ઘણો અંકુશ આવી ગયો છે, ત્યારે આ વખતે ધંધો કરવા માટે સરકાર છુટ આપશે તેવી શકયતા વેપારીઓ વ્યકત કરી રહ્યા છે. આખો દિવસ નહીં પણ અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી મળે તેવા અણસાર પણ સામે આવ્યા છે. હાલ તો વાવાઝોડની અસરના કારણે ત્રણ દિવસ મુદત વધારાઈ ત્યારે આગામી સમયમાં છુટછાટ મળે છે કે, ફરી મુદતમાં વધારો ઝીકી દેવાશે તે આવતીકાલે
ખબર પડશે.