શીવલખાની સીમમાંથી શિકારી ટોળકી ઝડપાઈ

દેશી બંદુક, તલવાર, ધારીયા, છરી, જીવતા કાર્ટીસ સહિત આઠ શખ્સોની ધરપકડ : દારૂના નશામાં ધૂત શખ્સો વન્ય જીવોનો કરતા હતા શિકાર : ત્રણ મૃત સસલાના માસના ટુકડાઓ પોલીસે કર્યા કબજે : કાર, બાઈક સહિત ૧૦.૮ર લાખનો મુદ્દામાલ કર્યો હસ્તગત

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : તાલુકાના શીવલખા ગામની સીમમાંથી વન્ય જીવોનો શિકાર કરતી ટોળકીને મધરાત્રે લાકડીયા પોલીસે ઝડપી પાડી હતી. દારૂ પીધેલી હાલતમાં બંદુક, તલવાર, ધારીયા અને છરી વડે ત્રણ સસલાઓનો શિકાર કરનાર આઠ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓના કબજામાંથી કાર, બાઈક સહિત હથિયારો મળીને કુલ્લ ૧૦.૮ર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી લાકડીયા પોલીસની ટીમ દારૂ, જુગારની બદીઓને નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતી, લાકડીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વી. એલ. પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત મળી હતી કે, શીવલખા ગામના ઢેટુડા સીમ વિસ્તારમાં રમેશ પુંજા કોલીની વાડી પર અમુક માણસો દારૂની હેરાફેરી કરી રહ્યા છે, જેને આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ ધસી જઈ દરોડો પાડયો હતો, જેમાં ભારતીય બનાવટની દેશી બંદુક, ૧૪ નંગ જીવતા કાર્ટીસ, છ નંગ ફાયર કરેલા કાર્ટીસ તેમજ ત્રણ સસલાના મૃતદેહો મળ્યા હતા. આ ઉપરાંત ધારીયું, છરી, તલવાર જેવા હથિયારો પણ આરોપીઓના કબજામાંથી મળી આવ્યા હતા. આરોપીઓ વન્ય જીવોનો શિકાર કરી, દારૂ અને માંસની મહેફીલ માણતા હોવાનું ઘટના સ્થળે જોવા મળ્યું હતું. પોલીસે આશરે દોઢેક કિલ્લો જેટલા માસના ટુકડા પણ બનાવ સ્થળેથી કબજે કર્યા હતા. પોલીસની આ રેડમાં લાકડીયાના રાહુલ દાના વાણીયા (ઉ.વ.ર૮), દિનેશ ખીમજી વાણીયા (ઉ.વ. ૩૭), પ્રેમજી બાબુ કોલી (ઉ.વ.૩૦), રાહુલ હરી કોલી (ઉ.વ.રપ), મનજી બાબુ કોલી (ઉ.વ.૪૭), નાનજી મેરામણ વાણીયા (ઉ.વ.પપ) તેમજ શીવલખાના રમેશ પુંજા કોલી (ઉ.વ.૩૧), કાનજી પુંજા કોલી (ઉ.વ.૩૦)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના કબજામાંથી ૧૦ લાખની હુન્ડાઈ કાર અને ૩૦ હજારની એક બાઈક ઉપરાંત બે નાળવાડી દેશી બંદુક સહિતના હથિયારો મળીને ૧૦,૮ર,૭પ૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ઈન્ચાર્જ પીઆઈ વી. એલ. પરમાર સહિત લાકડીયા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.

દારૂની બાતમીમાં વન્ય જીવોનો શિકાર ઝડપાયો

ભચાઉ : તાલુકાના શીવલખા ગામની સીમમાં એક વાડી પર દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી લાકડીયા પોલીસને મળી હતી, પરંતુ દારૂની બાતમી મુજબ પોલીસે રેઈડ કરતા વન્ય જીવોનો શિકાર કરીને માણવામાં આવતી મહેફીલનો પર્દાફાશ થયો હતો. દારૂના નશામાં ધૂત શખ્સોએ ત્રણ સસલાઓનો શિકાર કર્યો હતો. ત્યારે પોલીસે હથિયારો અને સસલાના મૃતદેહ કબજે કરી આઠ શખ્સોની ધરપકડ કરી તેમની સામે વિધિવત ગુનો નોંધ્યો હતો.