શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ

ભગવાન શિવશંકરને રિઝવવા વિવિધ અભિષેકો સાથે કરાઈ શિવ આરાધના

 

ભુજ : જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં ઠેર ઠેર આવેલા શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. મહાશિવરાત્રીનો પાવન પર્વ હોવાથી વહેલી સવારથી શિવભક્તોએ શિવાલયોમાં પહોંચીને વિવિધ પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા.
ભુજના મહાકાલેશ્વર મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. તે પૂર્વે અહીના મંદિરે અનેક ભાવિકોએ શિશ ઝુકાવ્યું હતું. તો પ્રસિદ્ધ એવા ધિગેશ્વર મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. કલેકટર બંગલો સામે આવેલા બે શિવલીંગ ધરાવતા દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. અહીના પ્રાચીન શિવાલય પર વિવિધ પ્રકારે અભિષેક કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. તો બિલેશ્વર મહાદેવ મંદિર, સુરલભીટ્ટ પર આવેલ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર, મુંદરા રોડ પરના ચંગલેશ્વર મહાદેવ મંદિર, ઓધવપાર્કમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર, વાલદાસનગરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, નાગનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભાવિકોએ ઉમટીને ભગવાન ભોળીયાનાથની આરાધના કરી હતી. સાથે જ ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને મહાશિવરાત્રીના હર્ષભેર ઉજવણી કરી હતી.