સરપંચશ્રી સ્ફુર્તિ દેખાડે તે જરૂરી..!

શિણાય ડેમમાથી માટી ગેરકાયદેસર ઉપાડી બારોબાર વેચી દેવાના કારસ્તાનમાં ખાણખનિજ વિભાગે ત્રાટકી તપાસ કરતા સરપંચની ખોટી સહીની આશંકા સામે આવ્યા બાદ હવે આ કારસ્તાનને અંજામ આપનારાઓ સામે ફરીયાદ થવાની ગણાતી ઘડીઓ : પંચનામુ કર્યુ હતુ, સહી ડીફર આવી હતી, સરપંચે પણ નિવેદનમાં લખાવ્યુ હતુ, હવે સરપંચ કક્ષાએથી ફરીયાદ થાય તેમ લેખિતમાં જાણ કરી દીધી છે : ખાણખનિજ વિભાગ પૂર્વ કચ્છ

ગાંધીધામ : શિણાય ડેમમાથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં માટી ઠાલવવાની સરકારે મંજુરી આપી છે પરંતુ પેટામાં કામ રાખનારી કેટલી પેઢીઓ અહીથી માટી ઉપાડી બારોબાર તુંણા-મુંદરા હાઈવે પર કેટલાક ખાનગી ઠામમાં આ માટી ઠાલવી સરકારની તિજોરીને મોટુ નુકસાન આપી ખુદ બેનામી ધંધાને ધમધમાવી રહ્યા હોવાના અહેવાલો ઉજાગર થતા જ કેટલાક ભેજાબાજ માટીચોરો દ્વારા ડેમના બદલે માટી શિણાય તળાવડીમાથી ઉપાડી હોવાના બોગસ આધારો ઉભા કરી લીધા હતા અને ખાણખનિજ વિભાગની ટુકડી ત્રાટકી ત્યારે વર્ક ઓર્ડર રજુ કરતા તેમાં સરપંચની સહી બોગસ હોવાનો મોટો ખુલાસો થવા પામી ગયો હતો. જેમાં પાછલા એકાદ પખવાડીયાથી કોઈ મજબુત કાર્યવાહી થવા પામી હોય તેમ જણાયુ ન હતુ પણ હવે બોગસ સહીઓ કરનારાઓની સામે ફોજદારી ફરીયાદનો ગાળીયો કસાય તેવા એંધાણ સામે આવ્યા છે.આ બાબતે ખાણખનિજ વિભાગના પૂર્વના શ્રી સિંગની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, શિણાય તળાવડીમાથી માટી ઉપાડનારાઓની તુણા રોડ પર ઠાલવેલી માટીના આધાર-પુરાવાઓ ચકાસવા બાબતે તપાસ ટીમો મોકલાવી હતી અને તે વખતે વર્ક ઓર્ડર માટી ઠાલવનારાઓએ રજુ કર્યો હતો પરંતુ સરપંચની તેમા કરવામા આવેલી સહી અને પંચનામામાં થયેલી સહી અલગ લાગી હતી જે બાબતે સરપંચશ્રીએ પણ નિવેદનમાં જ જણાવ્યુ હતુ કે, વર્ક ઓર્ડરમાં સહી તેઓની કરેલી નથી. એટલે હવે લેખિતમાં અમે સરપંચશ્રીને જણાવી દઈશુ કે, તેઓની સહીના ગેરઉપયોગ બાબતે તેઓ ફરીયાદ નોંધાવે.હવે જોવાનુ રહે છે કે, શિણાય ગામના સરપંચ તેઓની સહી કરનારા તત્વોની સામે લાલઆંખ કરી દેખાડે છે કે પછી હજુ પણ ફરીયાદ કરવા માટે સારા મુર્હતની રાહ જોશે.? કારણ કે આ રીતે જો શિણાય સરપંચની સહી માટી ગેરકાયદે ઠાલવનારાઓ કરી નાખતા હોય તો અન્ય લાખો-કરોડોના વિકાસકામોમાં સહીઓ આવી જ રીતે બારોબાર નહી કરવામાં આવી હોય તેની શુ ખાત્રી? સરપંચશ્રીએ હકીકતમાં જે-તે પાર્ટીએ કરેલા તમામ કામોના રેકોર્ડ-આધારો ચકાસી અને તેમા કરેલા સહી-સીક્કા સહિતના મામલે ફરીયાદ કરવી જોઈએ.