શિણાય ડેમ તોડવાની કામગીરીનો સ્થાનિકો દ્વારા પુનઃ વિરોધ

વહીવટી-પોલીસ તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે દસેક લોકોની કરી અટકાયત : ઉનાળાના પ્રારંભે જ ડેમ તોડવેથી મોટા પ્રમાણમાં પાણીનો થશે વ્યય : ખેડૂતો અને સ્થાનિકોને ભોગવવી પડશે પારાવાર મુશ્કેલી

ગાંધીધામ : તાલુકાના શિણાય ડેમને તોડવા અને માટી કાઢવાના નિર્ણયને લઈને સ્થાનિકના ખેડુતો અને ગ્રામજનોમાં વ્યાપક રોષ છે. આજે પણ સ્થાનિકોએ સરકાર અને તંત્રના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે સરકારની સુચના અને ખેડુતો તેમજ સ્થાનિકોના હિતો બન્નેને સમતોલ રાખીને કામગીરી થાય તે સમયનો તકાજો છે. ગાંધીધામના રાજાશાહી જમાનાના શિણાય ડેમમાંથી કેનાલના કામ માટે માટી લેવા માટે પાણી ખાલી કરવાની કામગીરીમાં આજે પુનઃ અડચણ આવી હતી. સરકારના આ નિર્ણય સામે ધરતીપુત્રોમાં રોષ ફેલાયો છે. રાજાશાહી સમયનો શિણાય ડેમ સાત કિલોમીટર જેટલો લાંબો છે. સારા ચોમાસાના પગલે હાલ ડેમમાં ૧૮ ફુટ જેટલું પાણી છે. 10 વર્ષે માંડ આ ડેમ ભરાયો છે. ત્યારે તેને તોડીને ખાલી કરવા સામે સ્થાનિકોનો વિરોધ છે. ડેમના પાણીથી ધરતીપુત્રો ખેતીકામ કરે છે. જ્યારે નર્મદા નિગમ દ્વારા કેનાલ માટેની માટી ડેમમાંથી લેવાનો નિર્ણય કરાયો છે. આ અંગે સ્થાનિક પંચાયત કે ધરતીપુત્રોને સાથે રાખવામાં ન આવતા ધરતીપુત્રોમાં રોષની લાગણી ફેલાઈ છે. હાલ ડેમ નજીકની સોસાયટીના પ૦૦ ઘરોને આ ડેમનું પાણી આપવામાં આવે છે. તથા આ પાણીની મદદથી ખેડૂતોએ મબલખ પાકનું વાવેતર કર્યું છે. ત્યારે ડેમનું પાણી ખાલી કરવામાં આવશે તો રહેવાસીઓ, ધરતીપુત્રોની હાલત દયનીય બની જશે. ઉપરાંત ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવી પડશે. ત્યારે ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષી નગરસેવક સમીપ જોશી સહિતના ગામના આગેવાનો દ્વારા ફરીથી એક વાર ડેમ તોડી પાડવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. તંત્રના જણાવ્યા પ્રમાણે શિણાય ડેમમાંથી કેનાલ માટે માટી લેવા નર્મદા નિગમ દ્વારા મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાબતે ગ્રામ પંચાયત કે ધરતીપુત્રોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનું જાણાવાઈ રહ્યુ છે. આજે ફરીથી કામગીરી અટકાવવામાં આવતા અંજારના પ્રાંત અધિકારી વિમલ જોશી, મામલદાર ચિરાગભાઈ, ડીવાયએસપી શ્રીવાઘેલા સહિતના વહીવટી અધિકારીઓ પોલીસ અધિકારીઓ તેમજ નર્મદા નિગમના અધિકારીઓ દોડી આવ્યા હતા. ગામના સરપંચ ગોપાલભાઈ હડીયા, તલાટી તેમજ ભોગગ્રસ્તો અને ખેડુતો સહિતના હાજર રહ્યા હતા. તંત્રએ ડેમને ખાલી કરી તેનું ખેણેત્રુ થશે અને ત્રણેક ફૂટ ઉંડો ઉતારી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તેવુ આયોજન હોવાનું પ્રાંત અધિકારી વિમલ જોશીએ જણાવ્યુ હતુ. સ્થાનિક મહિલાઓના જણાવ્યા પ્રમાણે ડેમ ખાલી કરાશે તો હજારો માછલીઓ મોતના મુખમાં ધકેલાશે. તેમજ ડેમનું પાણી સીમ વિસ્તારમાં અને ખેડૂતોના ખેતરમાં વેડફાશે. તો ખેતરોમાં પણ નુકશાની થવાની ભીંતિ વ્યક્ત કરાઈ હતી. તંત્રએ ડેમ ખાલી કર્યા બાદ પાછો નર્માદાના પાણીથી ભરી આપવામાં આવશે તેવુ પણ જણાવ્યુ હતુ. જો કે સ્થાનિકોએ નર્મદાના પાણીથી ડેમ જ્યારે ભરાય ત્યારે પણ હાલ મોટા પ્રમાણમાં ઉનાળો માથે છે ત્યારે પાણીનો વેડફાટ કરવો યોગ્ય નથી. ડેમમાંથી પાણીના નિકાલ કરવાની કામગીરીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તંત્ર અને પોલીસ વચ્ચે સ્થાનિકોનું ઘર્ષણ પણ થયુ હતુ. ત્યારે બોલાચાલી વધુ થતા પોલીસે આઠથી દસ લોકોની અટકાયત પણ કરી હતી.