શિણાયમાં ભુજના બિલ્ડરના સામે કરોડોના કૌભાંડની બૂમરાડ

  • કલેકટરશ્રી-જીડીએ-અંજાર ના.કલેકટર કેમ ન કરે લાલઆંખ ?

સિસ્મીક ઝોન પાંચમાં આવતા કચ્છમાં જમીનવિકાસ-બાંધકામના બનેલા નિયમોના થયા છે ઉલાળીયા : એસબીસી સોઈલ બીયરીંગ કેપેસીટી નિયમોનુસાર જમીનમાં પ્લોટો પડવાના હોય તેમાં હોવી જોઈએ પણ તાજી તાજી ભરતી કરેલી જમીનમાં એસબીસી મળે જ કેવી રીતે ?

અમે કોઈ બાંધકામ હજુ સુધીકર્યુ નથી, ખાડાઓમા કોઈ ભરતી કરાઈ નથી,તંત્ર ફરીથી સોઈલ ટેસ્ટ કરી શકે છે, અરજદારની ફરીયાદો પાયાવિહોણી છે, અરજદાર ખુદ સરકારી જમીન દબાણકર્તા છે : નવીનભાઈ આઈયા

તાજી-તાજી ભરતીવાળી જમીનોમાં પ્લોટો પાડીને પ્રજાને ધાબડી દેવાનું સુવ્યવસ્થિત કાવતરૂં : બિનવાણિજય હેતુસર પાસ કરાવી, જીડીએ પ્લાન મંજુર કરાવીને પ્લોટો પાડી દેવાના રચાતા તરકટ પર શહેરી વિકાસ મંત્રાલયની બ્રેક : જીડીએને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયો આદેશ : તાજી ભરતી વાળી જમીન હોવાથી બાંધકામ મંજુરી ન આપવા જણાવાયું

ફરીયાદના આધારે રાજ્યના શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીધામ વિકાસ સત્તામંડળને સ્થળ તપાસ કરવાનો આપ્યો નિર્દેશ

ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકામાં શિણાય વિસ્તારમાં તાજી તાજી ભરતી વાળી જમીન પર આડેધડ ખાડાવાળી જમીનોમાં ભરતી કરી અને પ્લોટો પાડી તેને વેંચી મારવાની પેરવી ભુજના એક નામીચા બિલ્ડર દ્વારા કરવામા આવતી હતી જે સંદર્ભે જાગૃત નાગરીક દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવતા તે અંગે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ કામની મંજુરી ન આપવાનો આદેશ ગાંધીધામ વિકાસ વિસ્તાર સત્તામંડળને આપી દેવાયો હોવાથી બિલ્ડર અને ભ્રષ્ટ તંત્રની લોબીમાં હડકંપ મચી જવા પામી ગયો છે. આ મામલે ફરીયાદી દ્વારા કરવામા આવેલી રજુઆતની વાત કરીએ તો ગાંધીધામ તાલુકાના શિણાય ગામ કે જયાં અત્યારે વિકાસ વાવાઝોડું ફુંકાયુ છે ત્યાં ભુજના કહેવાતા એક નામી બિલ્ડર સર્વે ન. ૧૯, ૪૯૬/૩૦, ૪૯૬/૩૦/૧મા ફકત બે વર્ષ પહેલા તાજી તાજી ભરતી ભરીને બિન વાણીજય હેતુસર પાસ કરાવીને જીડીએ પ્લાન પાસ કરાવીને પ્લોટો પાડીને વેચવાનુ કારસ્તાન ગોઠવાઈ રહ્યુ હોવાની રજુઆત જાગૃત વર્ગ દ્વારા કરવામા આવી છે.કચ્છ જિલ્લો સિસ્સમીક ઝોન પાંચમાં આવે છે.જે અત્યંત ગભીર બાબત અને તેને કારણે નુકસાન ન્યુનતમ ઝિરો રહે તે મુબજના જમીન વિકાસ અને બાંધકામના સરસ નિયમો બનેલા છે. જેમ કે જમીનમા પ્લોટો પડવાના હોય તો એસબીસી સોઈલ બીઅરીગ કેપેસીટી નિયમોનુસાર હોવી જોઈએ. ભરતી કરેલી જમીનોમા સ્વાભાવિક પણે એસબીસી ન આવી શકે. શિણાય વાળી જમીનો વર્ષોથી ખાડાવાળી, કયારેય ના ખોદાયેલ, ખરાબાની જમીનો ૪૯૬/૩૦,૪૯૬/૩૦/૧ રહેલ છે. જેમા અંદાજીત એક એક મથોડા ભરતી ભરીને વેચી દેવાનુ ભુમાફીયાઓને ન શોભે તેવુ કાર્ય આચરવામા આવ્યુ હોવાનુ જણાવાયુ છે.જમીનની જયારે સ્ટેબીલીટી જ ના હોય, પ્રજાને ખબર ન હોય અને જયારે સત્તામંડળ અંધારામા હોય ત્યારે આ જમીનોના એસબીસી ટેસ્ટ ઉપર સવાલો ઉભા થાય છે.જીવનમા એક વાર માંડ માંડ એક ઘર બનાવવાની વેતવાળાઓને પ્લોટ ધાબડી દઈને જવાબદારી માંથી છુટી જવુ કે ઘરનું બાંધકામ પ્લોટ લેનારની જવાબદારીઓ પણ એ બિચારાને કયા ખબર છે કે આ તાજી તાજી ભરતી વાળો પ્લોટ છે જેમાં ભરતીને જામતા ઓછામાં ઓછા દોઢ દાયકો લાગી જશે. સ્થળ તપાસ થાય તો ખબર પડે કે આ પ્લોટો પડેલ જમીનના અનેક ભાગમા અત્યારે પણ પાણી ભરેલ છે. તળાવ બાજુના હિસ્સા તો ચીકણી માટીયુકત છે જે બાંધકામ માટે જરાય યોગ્ય નથી. હકીકતમા આ પ્રકરણમાં નિષ્પક્ષ રીતે પ્રથાહિતમા સ્થળ તપાસ થાય, એસબીસી ટેસ્ટ રીપોર્ટની પ્રમાણિક ખરાઈ અને પરવાની વિગતો ચકાસવી જોઈએ, નવા એસબીસી, અને આજની તારીખે ભરતીઓ ચાલુ જ છે તેના આધારો ચકાસવા ઘટે. આ પ્રમાણે તપાસ કરવામા આવે અને સતત આવી ભુલોને છાવરીને કાલે રોદણા રડવાનો વખત ના આવે તે માટે પ્રજાને અને સત્તાધારીઓને ખબર પડે અને યોગ્ય પગલા સત્વરે ભરાય તે અત્યંત જરૂરી છે. નહીતર કાલે એ દીવસ દુર નથી જયારે નદી-નાલા અને તળાવો ઉપર ભરતી કરીને બાંધકામો થઈ જાય તેવુ આ કામના ફરીયાદી સમીરભાઈ સોરઠીયાએ રજુઆતમાં જણાવ્યુ છે.બીજીતરફ સમીરભાઈ સોરઠીયાએ જેઓની સામે આક્ષેપો કર્યા છે તેવા વસંતભાઈ ઠક્કર ઉર્ફે નવીનભાઈ આઈયાને આ બાબતે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ફરીયાદો પાયાવિહોણી છે. અમે હજુ સુધી આ જમીન પર કેાઈ બાંધકામ નથી કર્યુ. ખાડાઆમાંં ભરતી કરીને જમીન સમથળ કરાઈ હોવાની વાત પણ પથ્યવિહોણી છે, અરજીઓ કરનારાઓ તો અરજી કર્યા કરે, તંત્ર ફરીથી સોઈલટેસ્ટ કરાવી લે અને જે સત્ય જણાય તે અનુસાર કાર્યવાહી કરે, અમને મંજુરી આપવામાં આવશે તો બાંધકામ કરીશુ તેવી વાત શ્રી આઈયાએ કરી અને ક્હયુ હતુ કે, અરજદાર ખુદ સરકારી જમીનના દબાણકર્તા છે, અમારો તેમની સામે કેસ ચાલી રહ્યો છે, માટે ખોટા વાંધા વચકાઓ આધારો વિનાના રજુ કરી રહ્યો હોવાનુ જણાવી અને શ્રી આઈયાએ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા.

તાજીભરતી વાળી જમીન મુદ્દે તંત્ર કેમ ન કરાવે આ મુદાઓ પર કડક તપાસ?
• લેઆઉટ પ્લાન મંજુર કરાવ્યા બાદ કેટલા સમયમાં સરકારી નિયમ અનુસાર બાંધકામ કરાવવાનુ હોય છે? સબંધિત સર્વે નંબર પર લેઆઉટ પ્લાન કયારે મંજુર કરાયુ? કેમ હજુ સુધી બાંધકામ નથી કરાયુ? શરત ભંગમાં આ જમીનોનો વિષય કેમ ન લઈ જવાય?• ભરતીવાળી જમીનોમાં સબંધિત પાર્ટીએ ચાર-ચાર વખત કેમ રીવ્યુ મેપ રજુ કરવાની ફરજ પડી છે? શું સૂચવે છે..આ હરકત?
• અંજારના પ્રાંત અધિકારી સબંધિત બિલ્ડર-ડેવલપર્સથી શા માટે ન માંગે સોગદનામું..! જે-તે જમીનમાં ભરતી કરાઈ છે કે નહી? હા તો કયારે કરાઈ છે? તાજી ભરતીવાળી જમીનને કેટલા સમય માટે બાંધકામ ન કરવુ જોઈએ? – તાજી ભરતીવાળી જમીન પર કોઈ પણ પ્રકારે મકાનો-બાંધકામ કે પ્લોટો આપી શકાય ખરા?

જીડીએ દ્વારા લેઆઉટ પ્લાન મંજુર કરાયા જ કયા આધારે ?

ખાડાઓમાં ભરતી થઈ રહી છે, તેની સ્થળ તપાસણી કયા કારણોસર તે વખતે ન કરવામાં આવી ? સચિવશ્રી જીડીએ આ બાબતે તત્કાલીન લાપરવાહોની સામે કેમ ન કરે લાલઆંખ ?

ગાંધીધામ : ગાંધીધામ વિકાસ વિસ્તાર સત્તામંડળ એટલે કે જીડીએ દ્વારા આસપાસના વિસ્તારોમાં કરવામા આવતી જમીન મંજુરીની પ્રક્રીયાઓ સમયાંતરે વિવાદનો મધપુડો છંછેડી જતુ હોય છે. હાલમાં પણ શિણાયમાં તાજી ભરતી થયેલી જમીનો પર બાંધકામની પેરવી થઈ રહી છે તેને જીડીએ દ્વારા લેઆઉટ પ્લાનને મંજુરી અપાઈ ગઈ છે. સવાલ થાય છે કે જીડીએ દ્વારા ખાડામાં ભરતી કરીને બાંધકામ કરનાર પાર્ટીને મંજુરી લેઆઉટ પ્લાનની મંજુરી આપી જ કેવી રીતે શકે? લેઆઉટ પ્લાન મંજુર કરતા પહેલા સ્થળ તપાસ કરવાની હોય છે. તે સ્થળ પર બાંધકામ નિયમો અનુસાર જ થશે ને? બાંધકામ નબળુ નહી થાય ને? તે જોવાનુ હોય છે બાદમાં જ નકશા મંજુર કરી શકાતા હોય છે. તો ર૦૧૮માં જીડીએના જવાબદારો દ્વારા શિણાયવાળી સાઈટ પર રૂબરૂમાં સ્થળ તપાસ થઈ છે ખરી? જો કરી તો કોણ સ્થળ તપાસ કરવા ગયુ? તેને ખાડાઓમાં ભરતી થયાનુ કેમ ન દેખાયુ?

નવા સોઈલ ટેસ્ટ વિના બાંધકામની મંજુરી નહી મળે : ડો.વિમલ જોષી
ગાધીધામ : તાલુકાના શિણાય ગામમાં તાજી ભરતીવાળી જમીન પર બાંધકામ કરીને પ્લોટો પાડીને વેચી દેવાના કાવતરામાં ગેરરીતીઓ અને જોખમોની ફરીયાદ બાબતે અંજારના નાયબ કલેકટર અને જીડીએના સચિવ ડો. વિમલ જોષીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અગાઉ લેઆઉટ પ્લાન પાસ થઈ જવા પામ્યા છે. પરંતુ લેઆઉટ પ્લાન મંજુર થવા અને બાંધકામની મંજુરી આપવી તે અલગ બાબતો છે. ફરીયાદ અમારા ધ્યાને આવેલ છે અને જો કોઈ તાજી ભરતીવાળી જમીનમાં બાંધકામની મંજુરીઓ મંગાશે તો તે આપવામાં નહી આવે. ભરતી અને ખાડાવાળી જમીનમાં બાંધકામ થયુ હોય તો તે ભવિષ્યમાં ચોકકસથી જોખમ ઉભુ કરી શકે તેમ છે. એટલે આ બાબતે આગામી સપ્તાહે જ સબંધિત પાર્ટીને જરૂરી સુચના આપી દેવાની ખાત્રી શ્રી જોષીએ ઉચ્ચારી હતી.

સર્વ. ન.૧૮/૧૯માં હાલના સમયે પણ બેરોકટોક ભરતી ચાલુમાં…!
ગાંધીધામ : શિણાય ગામના સર્વે ન. ૪૯૬/૩૦માં તો ખાડાઓ ભરી દેવાયા છે પરંતુ આ ખાડાઓમાં થયેલ ભરતી અને તેના પર થઈ રહેલા બાંધકામના છાના કામને ન અટકાવાતા હવે ભુ માફીયાઓ દ્વારા અન્યત્ર પણ બેરોકટોક ભરતીઓ કરવામા આવી રહી છે. જાણકારો દ્વારા કહેવામા આવે છે કે સર્વે ન.૧૮માં પણ હાલના સમયે ખાડાઓમાં ભરતી થઈ રહી છે. હકીકતમાં તંત્રએ આ બાબતે વેળાસર વિના વિલબે લાલઆંખ કરતી કાર્યવાહી કરી જ દેખાડવી જોઈએ.

તંત્ર રેન્ડમલી જુદી-જુદી જગ્યાએથી સરકારી એજન્સી દ્વારા કરે સોઈલ ટેસ્ટ..!
ગાંધીધામ : ભરતીવાળી જમીનમાં બાંધકામ કરવાની પેરવીની ગંધ સામે આવી રહી છે ત્યારે હવે આ બાબતે શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ બાબતે ખરાઈ કરવાનુ કહેવાઈ ગયુ છે. એટલે જીડીએ અને અંજાર પ્રાંત કચેરી આ બાબતે સ્થળ તપાસ કરે તે જરૂરી બની રહ્યુ છે. અને સોઈલ ટેસ્ટ પણ કરે. સોઈલ ટેસ્ટ પાર્ટી બતાવે તેવી જગ્યાએ માત્ર કરવાના બદલે તંત્ર પોતાની રીતે સર્વે ન.૧૯માં ૧૦ જગ્યાએ પોતાની રીતે અલગ અલગ રીતે કરે તે જરૂરી છે. કારણ કે, આખાય સર્વે નબરમાં અમુક ટુકડા ભરતી વિનાના રાખી દેવાયા છે જેના સોઈલ ટેસ્ટ માત્ર કરાશે તો બિલ્ડર તરફે જ નિર્ણય લેવાઈ જશે. માટે તંત્ર અલગ અલગ જગ્યાએથી પોતાની રીતે જ સોઈલ ટેસ્ટ કરાવે અને સરકારી એજન્સી મારફતે કરાવે તે વધુ જરૂરી છે.

ખાડાઓની ભરતી કરાઈ કયાંથી ?: ખાણખનિજ વિભાગ કરે તપાસ તો કરોડોની રોયલ્ટી ચોરીનું કૌભાંડ ખુલે

શિણાય સરપંચની શું ભૂમીકા? ખાડાઓની આટઆટલી ભરતીઓ થતી હતી, તો શિણાયના સરપંચે કે ગ્રામ પંચાયતના રેવેન્યુ વિભાગે કેમ બિલ્ડરને ન અટકાવ્યા ? અથવા તો ગ્રામ પંચાયતની મંજુરી પણ આ બાબતે લેવાઈ હતી ખરી?

ગાંધીધામ : શિણાય ગામના સરપંચ હાલમાં માટીચોરીના માફીયાઓની છુટછાટને લઈને ભારે ચર્ચામા આવી જવા પામી ગયા છે. ડેમમાથી પણ માટી આડેધડ ઉપડી રહી છે તો વળી માટીચોરો દ્વારા સરપંચની બોગસ સહીઓ કરીને પણ માટીઓ ઉપાડી લીધી હોવાનુ ખાણખનિજના દરોડોમાં બહાર આવવા પામી ચુકયુ છે છતા પણ સરપંચ દ્વારા તેમની સહીનો ખોટો ઉપયોગ કરનારાઓ સામે હજુ સુધી ફરીયાદ પણ દાખલ કરવામાં આવી હોવાનુ કયાંય દેખાતુ જ નથી. હાલમાં જયારે શિણાયમાં જમીન તાજી તાજી ભરતી વાળી છે તેમાં પણ કૌભાંડને અંજામ અપાય તે પહેલા જ અટકાવી દેવામા આવી છે તો આ જમીનમા જે ભરતી કરાઈ છે તેના આધારો પણ ચસકાવા જરૂરી છે. તેની માટી ઉપાડાઈ કયાથી? કોની પરવાનગીથી? રોયલ્ટી તેના પેટે કેટલી ભરવમાં આવી છે? શિણાય ગામના સરપંચશ્રીની આ પ્રકરણમાં શુ ભૂમીકા રહી છે? આ તમામ પાસાઓ પણ તપાસ ઈચ્છી રહ્યા હોવાનુ જાણકારો માની રહ્યા છે.

તંત્ર ગુગલમેપ સર્વે કરાવે : તો બિલ્ડર્સના તમામ કાળા ધોળા થઈ જાય છત્તા..!
ગાંધીધામ : શિણાયમાં જે જમીનો તાજી ભરતી કરવામાં આવી છે તેને બીલ્ડર્સ દ્વારા એમ કહેવાય છે કે, અહી કોઈ ભરતી કરવામા આવી જ નથી. સમથળ જમીન જ હતી. તો તંત્રએ બીબાઢાળ તપાસ કરવાના બદલે આ કેસમાં હકીકતમાં ગુગલ મેપ સર્વે પાછલા પાંચથી સાત વર્ષનો કરવો જોઈએ. જો એમ કરવામાં આવશે તો પણ આ બીલ્ડર્સ દ્વારા સબંધિત જમીન પર કેટલા મોટા પ્રમાણમાં ભરતી કરવામા આવી છે, જમીનોમાં કેટલા સમયથી ખાડાઓ હતા, તે પણ રીતસરનો ખ્યાલ આવી જાય તેમ છે.