શિણાયડેમના બોરો એરિયામાંથી વાપરવા લાયક માટી મેળવી કચ્છ શાખા નહેરના High Banking ના બાંધકામમાં ઝડપી પ્રગતિ થશે

ડેમની જળ સંગ્રહ શક્તિમાં ૯૦ કરોડ લીટરનો વધારો થશે

યશસ્વી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાતની વિકાસશીલ સરકાર દ્વારા કચ્છ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઇ તેમજ પીવાના પાણીની સગવડ આપવા નર્મદા નહેરના કામો માટે સતત જાગૃત અને પ્રયત્નશીલ રહે છે.

કચ્છ શાખા નહેરની સાંકળ ર૩૧ થી ર૪૫ કિ.મી. વચ્ચે High banking ના બાંધકામ માટે અંદાજે ૧૨ લાખ ઘનમીટર માટીના જથ્થાની જરૂરીયાત હતી, તે પૈકી, ૩ લાખ ઘનમીટર માટીનો જથ્થો માર્ચ-૨૦૨૧ સુધીમાં નજીકના ઉપલબ્ધ અન્ય બોરો એરિયામાંથી મેળવવામાં આવેલ. ત્યારબાદ બાકી રહેતા ૯ લાખ ઘનમીટર માટીનો જથ્થા માટે વૈકલ્પિક સ્ત્રોતના અભાવે શિણાય ડેમનો વેસ્ટ વિયર તા.૦૭/૦૪/૨૦૨૧ ના રોજ તોડી પાણી ખાલી કરવામાં આવેલ.

તા.૧૯/૦૪/૨૦૨૧ થી શિણાયડેમના બોરો એરિયામાંથી માટી ઉપાડવાનું ચાલુ કરેલ અને તા.૧૫/૦૬/૨૦૨૧ ની સ્થિતિએ કુલ ૯ લાખ ઘનમીટર માટીના જથ્થા પૈકી ૭ લાખ ઘનમીટર માટીનો જથ્થો ઉપાડી નહેરનું બાંધકામ ઝડપભેર આગળ ધપાવવામાં આવેલ છે.

કોવીડ-૧૯ના જેવી મહામારી છતાં આ સમયગાળામાં વિકાસ કામો થયા છે અને અંદાજીત પ્રતિદિન ૧૫૦૦૦ ઘનમીટર માટી ઉપાડવામાં આવેલ હતી. હાલમાં નહેરના પાળાના બાંધકામના માટીકામમાં ૧૧ એસ્કેવેટર, ૪૯ ડમ્પર અને તેને આનુષંગિક મશીનરી મારફતે શિણાય ડેમમાંથી માટી ઉપાડવાનું કામ યુધ્ધના ધોરણે પ્રગતિ હેઠળ છે અને બાકી રહેલ ૨ લાખ ઘનમીટરનું માટીકામ પણ આગામી ચોમાસા પુર્વે પૂર્ણ કરવાનું આયોજન છે.

માટીની જરૂરીયાત પૂરી કરવા શિણાય ડેમનું જળાશય ઉંડુ કરવામાં આવતા, તેની જળસંગ્રહ ક્ષમતામાં ૯૦ કરોડ લીટરનો વધારો થશે જે કચ્છ જિલ્લા માટે ખુશીની બાબત છે.

આગામી ચોમાસામાં શિણાયડેમમાં વધુ પાણીનો સંગ્રહ થવાથી, કચ્છ જિલ્લાના ખેડૂતમિત્રો, માલધારીઓ, ગામ લોકોમાં ખુશીની લહેર છવાઇ હતી.