શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો : વિજય રૂપાણી

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ ૧૬મા શિક્ષણ સેવા અભિયાનનો સાબરકાંઠાથી પ્રારંભ : ખેડબ્રહ્મા તાલુકાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે મુખ્યમંત્રીએ પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો

 

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, હવેનો યુગ એ જ્ઞાનનો યુગ છે. શિક્ષણ વિના ઉધ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
મુખ્યમંત્રીએ આજે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શૃંખલાની ૧૬મી કડીનો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે લાંબડીયા, દેમતી અને નવાધરાના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ભુલકાંઓને આંગણવાડીમાં અને ધોરણ-૯ તથા ધોરણ-૧૧માં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું.બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઇપણ રાજ્ય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી એમ તેમણે આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂા. પ.૦૮ કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના ૬૦ ઓરડાઓનું પણ લોકાર્પણ કર્યુ હતુ. પોશીના તાલુકાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું.