શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહના ચૂડાસમાના અધ્યક્ષસ્થાને બોર્ડ પરીક્ષાના એકશન પ્લાનની વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાઇ

તા.૧૫ થી ૨૮ જુલાઇ-૨૦૨૧ દરમ્યાન કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા યોજાશે

કચ્છમાં ધોરણ ૧૦ના ૧૨૭૮૯ અને ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના ૩૧૪ અને સામાન્ય પ્રવાહના ૪૯૦૩ વિધાર્થીઓ થઇ ૧૮૦૧૧ રીપીટર પરીક્ષાર્થીઓ

૧૦ જુલાઇથી સવારે ૭ થી રાત્રે ૮ સુધી ૦૨૮૩૨-૨૫૦૧૫૬ જિલ્લા કન્ટ્રોલરૂમ કાર્યરત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૫મી જુલાઇ થી ૨૮મી જુલાઇ-૨૦૨૧ સુધી ધોરણ ૧૦ના રીપીટર અને ખાનગી વિધાર્થી અને ધોરણ ૧૨ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના રીપીટર અને ખાનગી વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. જે અન્વયે આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેકટરશ્રી અને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષશ્રી પ્રવિણા ડી.કે.ની ઉપસ્થિતિમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

બોર્ડની જાહેર પરીક્ષામાં કચ્છ જિલ્લામાં ધોરણ ૧૦ ના રીપીટર, ખાનગી, પૃથ્થક, ખાનગી રીપીટર થઇ કુલે ૧૨૭૮૯ વિધાર્થીઓ પરીક્ષા આપશે જયારે ધોરણ ૧૨ના રીપીટર અને ખાનગી વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના ૩૧૪ અને સામાન્ય પ્રવાહના ૪૯૦૩ થઇ કુલ ૧૮૦૧૧ વિધાર્થીઓ કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ પરીક્ષા આપશે.

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તકે જણાવ્યું હતું કે, પરીક્ષાની ગંભીરતાને ધ્યાને લઇ કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે આ પરીક્ષા સંયુકત સંકલન અને આયોજનપૂર્વક સારી રીતે પૂર્ણ થાય તે જોવાની સંકળાયેલા તમામે જવાબદારી નિભાવવાની રહેશે. સમગ્ર રાજયમાં સંકળાયેલા તમામના સહયોગથી ગેરરીતિ વગર પરીક્ષાની વ્યવસ્થા સુચારૂરૂપે જળવાય તે ખાસ રીતે જોવું એમ શિક્ષણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું. 

કલેકટરશ્રી અને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષાશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા ભુજ, ગાંધીધામ અને નખત્રાણા ખાતે યોજાનાર એસ.એસ.સી.ની અને ભુજ ખાતે યોજાનાર એચ.એસ.સી.ની પરીક્ષાની વિગતે છણાવટ કરાઇ હતી.

તેમણે આરોગ્ય અધિકારી ડો.જનક માઢકને કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે તમામ વ્યવસ્થા પરીક્ષા કેન્દ્ર ખાતે કરવા તેમજ જરૂર પડે પરીક્ષાર્થીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

એસ.ટી.નિયામકશ્રી વાય.કે.પટેલને પરીક્ષાર્થીઓને ૧ કલાક પહેલાં પરીક્ષા સ્થળે પહોંચે તે રીતે વ્યવસ્થા કરવા તેમજ ભુજ, ગાંધીધામ અને નખત્રાણા ખાતેનું સંકલન કરવા જણાવ્યું હતું.

પશ્ચિમ કચ્છ ડી.વાય.એસ.પી. જે.એન.પંચાલને કોવીડ-૧૯ પ્રમાણે કાયદો વ્યવસ્થા જળાવવા સૂચન કર્યુ હતું તેમજ કોઇ ગેરરીતિના ન થાય તે ધ્યાન રાખવા જણાવ્યું હતું.

પી.જી.વી.સી.એલ.ના અધિકારી ડી.બી.વામજાને પણ તેમણે આ સમયે વીજપ્રવાહના સાતત્ય અંગે વ્યવસ્થા બાબતે ચકાસણી કરવા જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પ્રજાપતિ આ તમે તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા ખંડની ચકાસણી અને વ્યવસ્થા બાબતે ચકાસણી કરવા જણાવ્યું હતું. અધ્યક્ષશ્રીએ આ તકે ઝોનલ અધિકારીઓ ભુજ કુ.ડી.વી.પંડયા, ગાંધીધાના જે.બી.સથવારા, નખત્રાણા ઝોનના કમલેશ મોતાએ પણ જરૂરી સૂચના આપી હતી તેમજ એચ.એસ.સી. ભુજ ઝોનલ અધિકારીશ્રી બીપીનભાઇ વકીલ સાથે પણ વિગતે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, એસ.એસ.સી. ની પરીક્ષા ૧૫ થી ૨૭ જુલાઇ અને એચ.એસ.સી.ની પરીક્ષા ૧૫ થી ૨૮ જુલાઇ સુધી યોજાશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,ભુજ દ્વારા જિલ્લા કક્ષાનો પરીક્ષા કન્ટ્રોલરૂમ તા.૧૦/૭/૨૧થી સવારે ૭ થી રાત્રિના ૮ વાગ્યા સુધી કાર્યરત કરાશે તે વિશે પણ માહિતગાર થયા હતા. જિલ્લાના પરીક્ષાર્થીઓ, વાલીઓ, શાળાઓને સાંભળી આ કન્ટ્રોલરૂમથી માર્ગદર્શન અપાશે. જેના નંબર ૦૨૮૩૨-૨૫૦૧૫૬ છે.

આ તકે સર્વશ્રી નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ તેમજ પરીક્ષા સભ્ય સચિવશ્રી અને શિક્ષણાધિકારીશ્રી બી.એન.પ્રજાપતિ, જી.જી.નાકર, અધિક્ષક ઈજનેર એમ.કે.વોરા, ગાંધીધામ ઈજનેરશ્રી જે.એમ.કષ્ટા, માહિતી નિયામક એમ.ડી.મોડાસીયા તેમજ સબંધિત કર્મયોગી ઉપસ્થિત રહયા હતા.