શિકારપુરમાં ખંડણી માંગી છ હજારની લૂંટ કરનાર બે શખ્સો ઝડપાયા

સામખિયાળી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

ભચાઉ : તાલુકાના શિકારપુર નજીક જીઈબીના વાયરને અંડર ગ્રાઉન્ડ કરવાનું કામ કરતા ખાનગી કંપનીના સુપરવાઈઝર પાસેથી ખંડણી માંગીને રૂા.૬ હજારની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવનાર બે શખ્સોને સામખિયાળી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ડી.પી. પટેલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ર૮ વર્ષિય રવિરાજસિંહ ઝાલમસિંહ વાઘેલાએ સામખિયાળી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેમાં તેમની સાઈટ પર કામ ચાલુ હતું ત્યારે શિકારપુરના નેક મહમદ ત્રાયા અને ભીખો કોલી નામના બે શખ્સોએ આવીને ધાક ધમકી કરી અહીં કામ કરવું હોય તો પૈસા આપવા પડશે તેવું કહીને ખંડણી માંગી હતી. જેમાં સુપરવાઈઝરે પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ છરી બતાવીને લાકડીથી મારમારી સુપરવાઈઝર પાસેથી રોકડા રૂા.૬ હજાર અને મોબાઈલની લૂંટ ચલાવીને નાશી ગયા હતા. ફરિયાદને પગલે સામખિયાળી પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરીને લૂંટમાં ગયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો.