શિકાગોમાં ૯ ઇંચ હિમવર્ષા : બેનાં મોત, ૧,૬૦૦ ફ્લાઇટ રદ : જનજીવન ઠપ્પ

શિકાગો : ઉત્તર અમેરિકાનાં મધ્યપશ્ચિમ રાજ્યોમાં શુક્રવાર ત્રાટકેલાં બરફનાં તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ઇલિનોઇસની રાજધાની શિકાગોમાં ૯ ઇંચ બરફવર્ષા થતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. બરફનાં તોફાનને કારણે ઉત્તર અમેરિકામાંથી ઓપરેટ થતી સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ તોફાન હવે ન્યૂયોર્ક અને ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૬ પછીનાં આ સૌથી ભયાનક બરફનાં તોફાનને કારણે શિકાગોના
મેટ્રોપોલિટન વિસ્તારમાં બરફના ઢગલા ખડકાઈ ગયા હતા. વિસ્કોન્સિન, ઇલિનોઇસ અને મિશિગન રાજ્યો કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયાં હતાં. શિકાગો, મિલવોકી અને મિશિગનમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. ઇલિનોઇસના નેપરવિલેમાં એક ૬૦ વર્ષીય વૃદ્ધ બરફ ખસેડતા હતા ત્યારે હાર્ટએટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું. આ સ્ટોર્મ સિસ્ટમે મોન્ટાનાથી મિશિગન સુધી બરફનો હાહાકાર મચાવ્યો હતો. આ સિસ્ટમ હવે અમેરિકાના પૂર્વ તરફ આગળ વધી રહી છે. ડેટ્રોઇટમાં પ્રતિકલાક એક ઇંચ હિમવર્ષાની આગાહી કરાઈ છે.અમેરિકામાં શુક્રવારે ૧,૬૦૦ ફ્લાઇટ રદ કરી દેવાઈ હતી તેમાંથી ૫૫૦ જેટલી ફ્લાઇટ શિકાગો અને ડેટ્રોઇટ ખાતે રદ કરાઈ હતી. છેલ્લા એક સપ્તાહમાં કાતિલ શિયાળાને કારણે મિડવેસ્ટનાં રાજ્યોમાં ૯ લોકોનાં મૃત્યુ થયાં છે. આઇઓવામાં ૬, મિસૌરીમાં બે અને મોન્ટાનામાં એક વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.હિમવર્ષાથી શિકાગોના એક્સ્પ્રેસ ધોરીમાર્ગો પર સંખ્યાબંધ અકસ્માતશુક્રવારે મિશિગનના ફેન્ટોન નજીક સર્જાયેલા માર્ગઅકસ્માતમાં સંખ્યાબંધ વાહનો એકબીજા સાથે ટકરાઈ જતાં ૩૩ વર્ષીય મહિલાનું મોત થયું હતું. શિકાગોના એક્સ્પ્રેસ ધોરીમાર્ગો પર ડઝનેક મોટર અકસ્માત સર્જાયા હતા. બરફનાં તોફાન અને ઠંડા કાતિલ પવનને કારણે મિડવેસ્ટ અમેરિકાનાં રાજ્યોમાં તાપમાનનો પારો માઇનસ ૧૮ ડિગ્રી સુધી ગગડી ગયો હતો.