શાહની મુલાકાત પૂર્વે ઉદ્ધવનો વાર : ચૂંટણીમાં હાર બાદ આવી યાદ

મુંબઈઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહ દેશની મોટી મોટી હસ્તીઓને મળી રહ્યાં છે. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ત્યારે આ કડીમાં જ આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરશે. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે ૩૫૦ સીટો જીતવા માંગે છે.શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું કે, “પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છે, ખેડૂતો રસ્તા પર છે તેમ છતાં બીજેપી ચૂંટણી જીતવા માંગે છે.” શિવસેનાએ કહ્યું કે, “જે રીતે બીજેપીએ સામ, દામ, દંડ, ભેદથી પાલઘર ચૂંટણી જીતી તેવી જ રીતે બીજેપી ખેડૂતોની હડતાળ ખતમ કરવા માંગે છે. ચૂંટણી જીતવાની શાહની જીદને અમે સલામ કરીએ છીએ.”
સામનામાં વધુમાં લખવામાં આવ્યું કે, “એક તરફ જ્યાં મોદી વિશ્વભરમાં ફરી રહ્યાં છે તો શાહ દેશભરમાં આંટા મારે છે. બીજેપીને પેટાચૂંટણીમાં હાર મળી છે, શું એટલે જ તેઓએ સહયોગી પાર્ટીઓને મળવાનું શરૂ કર્યું છે. ભલે જ તેઓ કનેકશન બનાવવાના પ્રયાસ કરે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે.”