શાહની તકલીફ વધશે?

મુંબઇઃ ન્યાયમૂર્તિ બી. એચ. લોયા મૃત્યુ પ્રકરણે રાજ્યમાં દાખલ થયેલી બે અરજી સુનાવણી માટે સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, પરંતુ સોહરાબુદ્દીન શેખના પ્રકરણમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે કરવામાં આવેલી અરજીની મંગળવારે હાઇ કોર્ટમાં સુનાવણી થશે. સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસ પ્રકરણે અમિત શાહની તકલીફ વધે તેવી શક્યતા છે. આ પ્રકરણમાં સીબીઆઇના વિરોધમાં અરજી દાખલ કરવામાં આવી છે. અમિત શાહને આ કેસમાં આરોપમુક્ત કરવાના નિર્ણયને સીબીઆઇએ પડકાર્યો નહીં, તેથી સીબીઆઇના વિરોધમાં મુંબઇ હાઇ કોર્ટમાં મુંબઇ લોયર્સ એસોસિયેશન દ્વારા જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે અને હાઇ કોર્ટે સીબીઆઇને નીચલી અદાલતના નિર્ણયને પડકારવાનો આદેશ આપવામાં આવે એવી માગણી આ અરજીમાં કરવામાં આવી છે. આ અરજીની મંગળવારે ન્યાયમૂર્તિ સત્યરંજન ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની ખંડપીઠમાં સુનાવણી છે. ગુજરાતમાં સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેમના સહકારી તુલસીદાસ પ્રજાપતિનું નવેમ્બર ૨૦૦૫માં બનાવટી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું એમ કહેવામાં આવે છે. પોલીસ સહિત ૨૩ લોકો સામે આ પ્રકરણે કેસ દાખલ થયેલો છે. આ પ્રકરણ પહેલાં સીબીઆઇને સોંપવામાં આવ્યું હતું, ત્યાર બાદ આ કેસનેે મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.