શાળા આરોગ્ય તપાસમાં ગંભીર બિમારીનાં ૪૭ કેસો આવ્યા સામે

ભુજ : સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં આરોગ્યની તપાસ કરવા માટે શાળા આરોગ્ય તપાસણીની યોજના અમલી બનાવાઈ છે. જે અંતર્ગત દર વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા શાળાનાં બાળકોનાં આરોગ્યની તબિબિ ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં આ વર્ષે અત્યાર સુધી ૬૮ ટકા કામગીરી કરવામાં આવી છે. જેમાંથી કુલ ૪૭ બાળકોને ગંભીર પ્રકારની બિમારી હોવાનું સામે આવ્યું છે.
સરકારશ્રીની શાળા આરોગ્ય યોજના થકી અનેક ગરીબ પરિવારનાં બાળકોને ગંભીર રોગમાંથી મુકિત આપવામાં આવી છે. પ્રતિ વર્ષ રાજ્યની દરેક સરકારી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં ભણતા ભુલકાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે અને તેમાં કોઈ ગંભીર પ્રકારનાં રોગના લક્ષણો જણાય તો તેવા બાળકોનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે કરાયેલી શાળા આરોગ્ય તપાસણીમાં અત્યાર સુધી ૪૭ બાળકો ગંભીર બિમારીથી પિડીત જણાયા છે. જિલ્લાનાં કુલ ૬,૩૩,૧ર૪ બાળકોની તપાસ કરવામાં આવશે. જેમાંથી હાલ સુધી ૪,ર૮,૮૭૯ બાળકોની તપાસ થઈ ચુકી છે. એટલે કે ૬૮ ટકાની કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા કરી દેવાઈ છે અને હજુ પણ ર૭ મી ફેબ્રુઆરી સુધી શાળા આરોગ્ય તપાસ ચાલશે જેમાં ગત સપ્તાહ સુધીનાં આવેલા રીપોર્ટ અનુસાર હૃદયરોગનાં રર કેસ, કિડનીના પ, કેન્સરના ૪ અને અન્ય કેસ ૧૬ મળીને કુલ ૪૭ કેસો સામે આવ્યાં છે.
તાલુકા વાર વાત કરીએ તો અંજારમાં હૃદને લગતા ૪, ભુજમાં ૧૦, ગાંધીધામમાં ર, રાપર અને માંડવીમાં ૩-૩ કેસો નોંધાયા છે. ભુજમાં કિડનીનાં ૩ કેસ, તેમજ ગાંધીધામ અને રાપરમાં ૧-૧ કેસો નોંધાયા છે. જયારે કેન્સરનાં ભુજ અને રાપરમાં ર-ર કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા પ્રાપ્ત આંકડાકીય માહિતી પ્રમાણે ગંભીર રોગની બિમારીઓ જિલ્લા મથક ભુજમાં સર્વાધિક જોવા મળી રહી છે. ત્યારે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ પાંડેએ જણાવ્યું હતું કે, ર૭ મી ફેબ્રુઆરી સુધી ચાલનાર શાળા આરોગ્યની તપાસ બાદ દરેક ક્રિટીકલ બાળકોને સમય આપીને તેમનું ઓપરેશન તજજ્ઞ તબિબો દ્વારા કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ પણ સરકારશ્રી દ્વારા ઉપાડવામાં આવશે.