શારજાહથી લવાયેલા રૂ.૨૩ લાખના સોના સાથે ઈગતપુરી રેલવે સ્ટેશન પર ત્રણ પકડાયા

નવી દિલ્હી : સંયુક્ત આરબ અમિરાતમાંથી દાણચોરીથી લવાઈ રહેલા રૂ.૨૩ લાખની કિંમતનું સોનું નાશિક પાસે ઈગતપુરી રેલવે સ્ટેશન ખાતે જપ્ત કરવામાં આવ્યું હતું. આ સંબંધે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી રહી છે.આ કાર્યવાહી કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સંયુક્ત રીતે પાર પડાઈ હતી.ઉલ્હાસનગરના ત્રણ માણસો નાગપુરથી મુંબઈ આવી રહેેલી ગીતાંજલિ એક્સપ્રેસ (૧૨૮૬૦)માંથી ઈગતપુરી સ્ટેશન પર પકડાયા હતા. તેમની પાસેથી રૂ.૨૩.૪૩ લાખનું ૭૫૬ ગ્રામ સોનુ અને ત્રણ લેપટોપ, કેટલીક કાંડા ઘડિયાળ, એક મોબાઈલ અને સાત બાટલી ઈમ્પોર્ટેડ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે આપેલી ગુપ્ત જાણકારીને પગલે આ કાર્યવાહી થઈ હતી. આરોપીઓમાં ધીરજ આહુજા (૨૯), હરીશ કુકરેજા (૪૧) અને વિનોદ બાલવાની (૩૭)નો સમાવેશ થાય છે. તમામ થાણેના ઉલ્હાસનગરના રહેેવાસી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ત્રણે જણે કબૂલ્યું છે કે સોનું શારજાહથી નાગપુર લવાયું હતું અને ત્યાંથી ટ્રેનમાં કલ્યાણ લવાઈ રહ્યું હતું, એમ આરપીએફ ઈગતપુરીના ઈન્સ્પેક્ટર સંતોષ બર્વેએ જણાવ્યું હતું.