શહેરોમાં ઢોર રખડતા મુકનાર માલધારીઓ સામે હવે પાસા

અમદાવાદ : સોમવાર અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોના ઉપદ્રવ અંગે મ્યુનિસિપલ તંત્ર અને સરકારની બેદરકારીના મુદ્દે થયેલી જાહેર હિતની રિટમાં આજે મ્યનિસિપલ તંત્ર તરફથી સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૧૭ ના કાયદામાં સુધારો કરવા માટે સરકારને દરખાસ્ત કરવામાં આવી હોવાનું તથા રખડતાં ઢોરોના માલિકોને ગુંડા ધારા હેઠળ અટકાયત કરવાની વિચારણા હાથ ધરાઇ હોવાનું જણાવાયું હતું. હાઇકોર્ટમા થયેલી રિટના પગલે મ્યુનિસિપલ તંત્રએ એકાએક કામગીરી હાથ ધરી સોગંદનામું રજુ કરી આંકડાકીય વિગતો બચાવ તરીકે રજુ કરી હતી. જાહેર રોડ પર રખડતાં ઢોરના માલિકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે અને આવા માલિકોને ગુંડા ધારા હેઠળ પણ અટકાયત કરવાની વિચારણા ચાલી રહી છે અને કડક કાયદો લાવવામાં આવશે તેવી વાતો રજુ કરી હતી. નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર ધર્મેન્દ્ર શાહે રજુ કરેલા સોગંદનામામાં એકરાર કર્યો હતો કે હાલમાં ૫૦ હજાર જેટલા રખડા ઢોરો છે. તેને પકડવા માટે અને કસૂરદાર કે જવાબદાર ઢોર માલિકો સામે કાર્યવાહીની પ્રક્રિયાની ગતિ વધારવામાં આવી છે અને અસરકારક બનાવાઇ છે. એફઆઇઆર ફરજ્યાતપણે દાખલ કરવામાં આવશે. ત્રણ વખત કે તેથી વધુ એફઆઇઆર નોંધાશે તો તેવા રિઢા ઢોર માલિકોને ગુંડા ધારા હેઠળ અટકાયત કરવાની પણ દરખાસ્ત તૈયાર કરવાનું વિચારાયું છ. ઢોર પકડવામાં આશરે અઢસો ટકાનો વધારો કરાયો છે જ્યારે ઢોર છોડાવવામાં ૬૫ ટકાનો ઘટાડો થયો છે. ઢોર પકડવાના તંત્રમાં એક ડેપ્યુટી કમિશનર અને ૨૧ પોલીસની જગા ભરવા ડીજીપીને જણાવાયું છે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા અને તેની હલનચલન માટે નિયંત્રણ રાખવાના અંકુશ અધિનિયમ, ૨૦૧૭માં જરૃરી સુધારો કરવા પણ ગૃહ વિભાગને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. હાઇકોર્ટે આ સોગંદનામું રેકર્ડ પર લઇ વધુ સુનાવણી આગામી સપ્તાહોમાં નિયત કરી છે.