શશીકલા સહિતનાઓ પાસેથી ૧૪૩૦ કરોડની બેનામી સંપત્તી ઝડપાઈ

ચેન્નાઇ ઃ તામિલનાડુના રાજકારણમાં કયારેક કેન્દ્રમાં રહેલા અન્ના ડીએમકેના નેતા વી.કે.શશીકલા ઉપર આવકવેરા વિભાગનો સિકંજો મજબુત બનતો જઇ રહ્યો છે. શશીકલા, તેમના સગાઓ, સંબંધીઓ સાથે જોડાયેલા ઠેકાણાઓ ઉપર આવકવેરાના દરોડામાં ૧૪૩૦ કરોડ રૂપિયાની અઘોષિત આવકની જાણ થઇ છે.આવકવેરા વિભાગે ટેકસ ચોરીની શંકાના આધારે ગત ગુરૂવારે રાજયના વિવિધ શહેરોમાં ૧૮૭ સ્થળો ઉપર એક સાથે દરોડા પાડયા હતા. આ બધા સ્થળો શશીકલા, તેમના ભત્રીજા દીના કરણ અને તામિલ ચેનલ જયા ટીવી સાથે જોડાયેલા હતા.આયકર ઓફિસરના જણાવ્યા પ્રમાણે દરોડામાં ૭ કરોડ રૂપિયા રોકડા અને પ કરોડના ઘરેણા જપ્ત થયા છે. હાલ શશીકલા આવક કરતા વધુ સંપત્તિના કેસમાં બેંગ્લોરની જેલમાં બંધ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જયા ટીવીના વડા વિવેક જયરામનના ૧૦૦ બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે આ બધા ખાતા નકલી કંપનીઓના નામે ચાલતા હતા. દરોડા દરમિયાન કયા કયા દસ્તાવેજો મળ્યા તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી.આ હાઇપ્રોફાઇલ આઇટી રેડથી શશીકલા જુથમાં ખળભળાટ મચી ગયો હતો. જેલમાં બંધ શશીકલા પણ બેચેન બની હતી. એ ચાર વર્ષની સજા કાપી રહી છે. જેલમાં તે અખબારોથી માહિતી મેળવી રહી છે. શશીકલા એન્ડ કાં.નું મોટાભાગનું રોકાણ રીયલ એસ્ટેટમાં હોવાનું જણાય છે.