શરદ પવારની પુત્રીને મોદી કેન્દ્રીય કેબીનેટમાં ઇચ્છતા હતાઃ ધડાકો

મુંબઇ : શિવસેનાએ  પોતાના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીમંડળમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને સામેલ કરવા ઇચ્છતા હતા. સામના અનુસાર સુપ્રિયાને કેબીનેટમાં સામેલ કરવા માટે પીએમ મોદીએ ઓફર કરી હતી.સામનાના એક લેખમાં શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે  પવાર સાથેની હાલની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. જયારે શિવસેનાના સાંસદે એવુ જાણવાનો પ્રયાસ કર્યો કે શું એનસીપી એનડીએમાં સામેલ થવાની તૈયારીમાં છે ? તો પવારે મીડીયાને આવી અફવા ફેલાવવા માટે દોષિત ઠેરવ્યા હતા.રાઉતના જણાવ્યા પ્રમાણે પવારે મોદી સાથે  પોતાની મુલાકાતને યાદ કરતા કહ્યુ હતુ કે, વડાપ્રધાને મને જણાવ્યુ હતુ કે, તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સુપ્રિયાને ઇચ્છે છે.શિવસેનાએ દાવો કર્યો છે કે નાણામંત્રી જેટલી અને મુખ્યમંત્રી ફડણવીસે પવાર સાથે પુણેમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આનાથી અટકળોને વેગ મળ્યો હતો અને ભાજપ એનસીપીને એનડીએમાં લાવવાની તૈયારીમાં છે.વિપક્ષોનો શિકાર કરવા માટે મોદી અને શાહની ટીકા કરતા રાઉતે કહ્યુ હતુ કે, એનડીએમાં બધાને સામેલ કરી ભાજપ ઝડપથી કોંગ્રેસ  પક્ષના આધુનીક અવતાર તરીકે ઉપસી રહી છે. ગઇકાલે અરૂણ જેટલીએ પણ શરદ પવારના વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે, તેમણે કદી નકારાત્મક નિવેદન નથી આપ્યુ. જયારે દેશના હિતની વાત હોય ત્યારે પવાર રાજકારણને વચ્ચે નથી લાવતા. કૃષિ ક્ષેત્રે તેમણે નમુનેદાર કામ કર્યુ છે.મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપના સુત્રો જણાવે છે કે મોદી અને શાહ શિવસેનાથી નારાજ છે અને તેથી જ તેઓ એનસીપીની નજીક જઇ રહ્યા છે.