વ્હાલી દિકરી યોજના : રર મહિનામાં રર૮૦ દીકરીઓને મળ્યો લાભ

ર-૮-ર૦૧૯ પછી જન્મેલ દિકરીને યોજનાનો મળે છે લાભ : સરકાર દ્વારા યોજના અંતર્ગત ૧.૧૦ લાખની અપાય છે આર્થિક સહાય : જન્મના એક વર્ષમાં યોજના અંતર્ગત અરજી કરો તો જ મળે છે લાભ : અંતરિયાળ અને છેવાડાના ગામડાના લોકો યોજનાનો લાભ લેવા નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરે તે માટે અનુરોધ

ભુજ : ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં બનાવાઈ છે. આ યોજના અંતર્ગત દિકરીઓને રૂપિયા ૧.૧૦ લાખની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, ત્યારે કચ્છ જિલ્લામાં રર મહિનામાં રર૮૦ દીકરીઓને આ યોજનાનો લાભ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.આ અંગેની વિગતો મુજબ દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું, શિક્ષણમાં વધારો કરી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, દિકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું અને બાળલગ્ન અટકાવવા માટે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં બનાવાઈ છે. યોજના અંતર્ગત તા. ર-૮-ર૦૧૯ કે તે પછી જન્મેલ દિકરીને યોજનાનો લાભ મળવા પાત્ર છે. જન્મથી એક વર્ષના સમયગાળામાં અરજી કરવામાં આવે તો જ યોજનાનો લાભ મળે છે. દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીને યોજનાનો લાભ મળી શકે છે, અપવાદ રૂપ કિસ્સામાં બીજી- ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ હોય તો તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની વાર્ષિક આવક ર લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનું ફોર્મ નજીકના આંગણવાડી કેન્દ્રમાંથી મેળવી જમા કરાવી શકાય છે. ખાસ તો ૧૮ વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવા પાત્ર રહેતી નથી. આ અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધી વિભાગ દ્વારા રર૮૦ દીકરીઓને યોજનાનો લાભ અપાવવામાં આવ્યો છે. આ યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓ કચેરી કે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએથી મળી રહેશે. ખાસ તો કોવિડની સ્થિતિ અન્વયે વોટસેઅપ નંબર ૯૦૬૭પ ૮૭૮૯૭ નંબર પર વ્હાલી દિકરી યોજના ફોર્મનો મેસેજ મોકલીને ફોર્મ પોતાના મોબાઈલમાં મેળવી શકાય છે. વધુ વિગતો માટે ટેલિફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે. તેમણે અપીલ કરતાં કહ્યું કે, જન્મના એક વર્ષના સમયગાળામાં જરૂરથી વાલીઓ આ યોજના અંતર્ગત દીકરીની નોંધણી કરાવી લે તે જરૂરી છે. અન્યથા યોજનાનો લાભ મળશે નહીં. જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના લોકો યોજનાનો લાભ મેળવે તે માટે ભાર મુકયો હતો.