વ્યાજખોરો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા ગાંધીધામ બ્રહ્મસમાજે કરી માંગ

પુર્વ કચ્છ એસ.પી.ને આવેદન પત્ર પાઠવીને પીડીત પરિવારને રક્ષણ આપી ખોટી રીતે પચાવી પાડેલી મિલકતો પરત અપાવવા રજૂઆત

ગાંધીધામ : કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામમાં વ્યાજખોરો અને વ્યાજ આતંકીઓના કારણે યુવાનો આપઘાત કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આવા વ્યાજખોરો સામે પોલીસ ખાતા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ જ ભારતનગરમાં રહેતા હાર્દિક અનિલ જોષીએ આવા મામલે એસીડ પીને આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કિસ્સાઓ બનતા અટકાવવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
ગાંધીધામ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ મુદ્દે પુર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલને આવેદનપત્ર પાઠવીને કડક રજૂઆત કરાઈ હતી. જેમાં સમાજના આગેવાનોએ જણાવ્યું હતુ કે, હાર્દિક અનિલભાઈ જોષીએ કોઈ પણ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા નથી. છતાં પણ હાર્દિક અને તેના ભાભીના નામની મિલકતોની ફાઈલો વ્યાજખોરોએ લઈ જઈને હડપી લીધી છે. તે મિલકતો તેમને પરત મળે તેવી માંગ કરાઈ છે. હાર્દિક ટયુશન કલાસ ચલાવે છે. ત્યાં જઈને વ્યાજખોરો દ્વારા સતત ધાક ધમકી કરીને માનસીક ત્રાસ આપવામાં આવ્યો છે. ત્યારે આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. અગાઉ પણ સમાજના ડી.સી.-પ આદિપુરમાં રહેતા પરિવારના યુવાનને વ્યાજખોરો અને પોલીસ કર્મીઓની મંડળીએ મળીને આપઘાત કરવા મજબૂર કર્યો હતો. તત્કાલિન એસ.પી.એ કડક કાર્યવાહી કરીને બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. અને વ્યાજખોરો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી હતી. ત્યારે આ કિસ્સામાં પણ પીડીત પરિવારને પોલીસ રક્ષણ આપીને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાઈ છે.  આ તકે ગાંધીધામ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનીમાં સમાજના અન્ય કાર્યકરોએ મળીને રજૂઆત કરી હતી.