વ્યાજખોરોનો આતંકઃ યુવકને પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો, હાલત ગંભીર

(જી.એન.એસ.)ભાવનગર,ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વ્યાજખોરોનો વરવો ચહેરો સામે આવ્યો છે. આર્થિક લેવડદેવડ મામલે પાલિતાણામાં એક યુવકને વ્યાજખોરોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે.યુવાનને હાલ ગંભીર હાલતમાં સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.સમગ્ર મામલાની વિગત પર નજર કરીએ તો, ભાવનગરના પાલિતાણામા રહેતો અને છૂટક મજૂરીકામ કરી જીવનનિર્વાહ ચલાવતા મહેબૂબ શાહે પાલિતાણામાં જ રહેતા અને ગેરકાયદે ઊંચા વ્યાજે નાણાં ધિરધારનો ધંધો કરતા માથાભારે શકસો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધાં હતાં, જેમાં હાલ મહામારી તથા મંદીને કારણે ભોગગ્રસ્ત યુવાન મહેબૂબ સમયસર વ્યાજ તથા મૂળ રકમ ચૂકવી ન શકતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.ગઈકાલે માથાભારે શખસોએ માનવતાની તમામ હદો વટાવી યુવાનને હિસાબ ચૂકતે કરવાના બહાને પાલિતાણામાં ભાવનગર રોડ પર બોલાવ્યો હતો અને ઉગ્ર ઝઘડો કરી માર મારી એક શખસે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી મહેબૂબ પર રેડી કાંડી ચાપી દેતાં યુવાન ભડભડ સળગી ઊઠ્યો હતો અને શખસો નાસી છૂટ્યા હતા.આ યુવાનની વહારે રાહદારીઓ દોડી આવ્યા હતા અને આગ ઓલવી પ્રથમ પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં, ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલના બર્ન્સ વોડૅમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનનું શરીર ૯૦ ટકાથી વધુ દાઝી ગયું હોઈ સારવાર કરતાં તબીબોએ યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.