વૈષ્ણોદેવી પાસે કોપર વાયરના ડ્રમની ચોરીનો ભેદ ઉકેલાયો

(જી.એન.એસ.)ગાંધીનગર,ગાંધીનગરના વૈષ્ણોદેવી સર્કલ પાસે સાઇટ પરથી ટોરેન્ટ કંપનીનો રૂ. ૧.૮૦ લાખનાં કોપર વાયરના ડ્રમની ચોરીનો ભેદ અડાલજ પોલીસે ઉકેલ્યો છે. અડાલજ પોલીસે ખોરજ ગામની સીમમાં રહેતા સાઈટના ચોકીદારને ઝડપી લઈ અન્ય એક ફરાર આરોપીને પકડી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના રાધેજા મુકામે રહેતા વિપુલભાઈ બાબુભાઈ પટેલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક ના બ્રિજને નડતરરૂપ ખુલ્લા વાયરોનું અંડરગ્રાઉન્ડ કેબલનું કામ કરે છે. જેમની સાઈટ વૈષ્ણોદેવી સર્કલ પાસેના સુંદર ફાર્મ હાઉસ માં આવેલી છે.તાજેતરમાં ઉપરોક્ત કોન્ટ્રાક્ટ માટે તેમણે ટોરેન્ટ કંપનીનો ૬૬ કેવીનો ૧૫૦ મીટર કોપર વાયરનું ડ્રમ સાઈટ પર ઉતાર્યું હતું. જેની બજાર કિંમત રૂ. ૧.૮૦ લાખ જેવી થાય છે. ત્યારે તેમની સાઈટ પરથી આખે આખું કોપર વાયરનું ડ્રમ ચોરાઈ જતાં તેમણે સાઈટ પર કામ કરતા કર્મચારીઓની પૂછપરછ કરી હતી પરંતુ વાયરનાં ડ્રમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જે અંગે તેમણે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.આ અંગે અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવે જણાવ્યું હતું કે, વાયર ચોરીનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. આ ગુનો નોંધાયા બાદ સ્ટાફના માણસોને આસપાસના વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવાની સૂચના અપાઈ હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઉક્ત ડ્રમ સુંદર ફાર્મથી નજીકના ખુલ્લા પ્લોટમાં સંતાડી રાખેલું છે. જેનાં પગલે તપાસ કરતા સુંદર ફાર્મ હાઉસના ચોકીદાર શીભાઈ રઘુનાથ રબારીએ તેના સાગરિત મોવન ગુર્જર સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. જેનાં પગલે શીભાઈ રબારી (રહે. ખોરજ ગામની સીમ, સુંદર ફાર્મ હાઉસ, મૂળ મહેસાણા)ની ધરપકડ કરી લઈ તેના સાગરિતને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.