વેલ્સપન કંપની સામે વરસામેડીના ગ્રામજનો આકરા પાણીએ

પંચાયત પાસેથી શાળા માટે જમીન મેળવી વિનામૂલ્યે
શિક્ષણ સુવિધા આપવાના વાયદાનો કર્યો ભંગ ઃ સ્થાનિકોને રોજગારી આપવામાં પણ કંપની સંચાલકોના ઠાગાઠૈયા ઃ ગ્રામજનોએ કંપની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

અંજાર :  અહિંના ખાનગી ઉદ્યોગગૃહ સામે વરસામેડીના ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો વેલ્સપન કંપની સામે ગ્રામજનોએ સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. વેલસ્પન કંપની સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરૂદ્ધ તગડી ફી વસૂલવામાં આવી રહી છે. જે તે સમયે પંચાયત પાસેથી વિનામૂલ્યે શાળા નિર્માણ માટે જમીન મેળવતી વખતે કંપનીએ સ્થાનિક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણની સુવિધા આપવાની મોટાપાયે ઘોષણા કરી હતી, પરંતુ હવે ગેરકાયદેસર રીતે તગડી ફી વસૂલ કરવામાં આવે છે. કંપની સંચાલિત શાળામાં એક છાત્ર દીઠ આશરે રૂપિયા ૧ર હજાર જેટલી તગડી ફી લેવાય છે. શાળામાં અભ્યાસ કરતા છાત્રોને બસની સુવિધા આપવાનો છેદ પણ વેલસ્પન કંપની દ્વારા ઉડાડી દેવાયો હતો. આ ઉપરાંત નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવામાં પણ કંપનીના સંચાલકો નિષ્ફળ રહ્યા છે. કંપનીના કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાકટ પણ સ્થાનિકોને નજર અંદાજ કરી બારાતુ કોન્ટ્રાકટરને આપી દેવાયો છે. તમામ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કંપનીના સંચાલકોએ દાદ ન દેતા આખરે ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. વિરોધની રજૂઆતમાં હુંબલ શંભુભાઈ વાલાભાઈ, રબારી રમેશભાઈ જીવાભાઈ, જાડેજા શૈલેન્દ્રસિંહ ધીરૂભા, રબારી પ્રભુભાઈ નારણભાઈ, રબારી ખોડાભાઈ બધાભાઈ તથા મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટેલા ગ્રામજનોએ કંપની વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો