વેરાવળમાં ત્રણ માળનું બિલ્ડિંગ થયું ધરાશાયી, ૧૨ સભ્યો માંડ બચ્યા

(જી.એન.એસ)વેરાવળ,વેરાવળમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બે પરિવાર માંડ બચ્યા છે. વેરાવળમાં મુખ્ય બજારની ધાણી શેરીમાં દુર્ઘટના બની છે. બાજુમાં નવા બાંધકામ માટે ખાડો ખોદાતા દુર્ઘટના બની છે. મકાન નમ્યું એ સાથે ૧૨ સભ્યો બહાર નીકળી ગયા હતા.મકાન ધરાશાયી થતા ઘરવખરી, દાગીના બધું દટાઇ ગયું. રવિવારના બજાર બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વેરાવળ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવ્યો હતો. જૈન હોસ્પિટલ રોડ પર આવેલ મારાજના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારમાં આ ઘટના બની હતી. બાબુભાઇ જેઠાભાઇ માલમડીની માલિકીનું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી ૨.૧ કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.