વેન્ટિલેટરની બૂમરાડ વચ્ચે આજથી વિગતો કરાશે જાહેર : ડીડીઓ

  • કચ્છ ઉદય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી અપીલ ફળી

મુખ્યમંત્રીએ ૮૦ વેન્ટિલેટરની કરેલી જાહેરાત બાદ સાધનોની જોવાતી રાહ : આરટીપીસીઆર મશીનના ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા પ્રગતિમાં : ડીડીઓ ભવ્ય વર્મા

ભુજ : કચ્છમાં કોરોનાના કેસો જિનપ્રતિદિન વધી રહ્યા છે અને કેટલાય ક્રિટીકલ કેસોમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થતા લોકો વેન્ટિલેટર મળતા નથી. ક્યાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે, ક્યાં નહિ તેની અસમંજસતામાં દર્દીના પરિવારજનો વલખા મારી રહ્યા છે ત્યારે આ અંગે યોગ્ય માહિતી જાહેર હિતમાં પૂરી પાડવા કચ્છ ઉદય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અપીલ કરાઈ હતી ત્યારે આજથી તંત્ર દ્વરા કોરોનાની યાદી સાથે બેડની અવેબિલિટી અને વેન્ટિલેટરની ઉપલબ્ધી અંગેની વિગતો પણ જારી કરાશે. કચ્છમાં વેન્ટિલેટરની અછતને કારણે બૂમરાડ પડી ગઈ છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સગાઓ વેન્ટિલેટર ક્યા ઉપલબ્ધ છે તેની દોડદાડમાં લાગી ગયા છે. મોટાભાગની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટર ખાલી નથી ત્યારે કચ્છ ઉદય દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને જિલ્લામાં વેન્ટિલેટરની અવેબિલીટી અંગેનો રોજે રોજનો રિપોર્ટ જાહેર હિતાર્થે આપવાની અપીલ કરાઈ હતી. જેથી લોકોને ખ્યાલ આવે અને વેન્ટિલેટરની જરૂરિયાત વાળા દર્દીઓના સગાઓને વલખા ન મારવા પડે ત્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજથી વેન્ટિલેટર અંગેની વિગતો પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમા કઈ હોસ્પિટલમાં કેટલા વેન્ટિલેટર છે અને હાલ કેટલા ખાલી છે તેમજ તે હોસ્પિટલના કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરાશે જેથી લોકોને માહિતી મળી રહે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા શનિવારે કચ્છમાં ૮૦ નવા વેન્ટિલેટર આપવાની જાહેરાત થઈ હતી. તેનું શું થયું ફાળવણી થઈ કે કેમ ? તેવું પૂછતા તેમણે કહ્યું હતું કે, એ અમારી કમિટી મારફતે પ્રક્રિયા ચાલી રહી છે. હજુ સુધી નવા વેન્ટિલેટરો આવ્યા નથી. મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત બાદ કચ્છમાં નવા વેન્ટીલેટરો આવવાની રાહ જોવાઈ રહી છે.

મુખ્યમંત્રીની જાહેરાત મુજબ ભુજમાં બીજુ આરટીપીસીઆર ટેસ્ટીંગ મશીન થયું કાર્યરત

ભુજ : શનિવારે કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવા માટે બીજુ એક ટેસ્ટીંગ મશીન ઈન્સ્ટોલેશન કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ જિલ્લાના વહિવટી તંત્ર અને અદાણી મેનેજમેન્ટ દ્વારા ત્વરીત કામગીરી આરંભાઈ હતી અને બીજા આરટીપીસીઆર ટેસ્ટીંગ મશીનનું સંપૂર્ણ ઈન્સ્ટોલેશન થઈ ગયા બાદ આજથી આ મશીન કાર્યરત થઈ ગયું હોવાનું અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આપણે અહીં અગાઉ એક આરટીપીસીઆર ટેસ્ટીંગ મશીન કાર્યરત હતું જ, હવેથી બીજુ મશીન પણ કાર્યરત થઈ ગયું છે અને કચ્છમાં કોરોના ટેસ્ટીંગ માટે લેવાતા આરટીપીસીઆર રિપોર્ટના સેમ્પલનું પરિણામ જેમ બને તેમ જલ્દી આવી શકશે.