‘વેટ’ની વેઠ GST માં : ચાર વર્ષ પહેલાંના ૩૮ હજાર કેસના એસેસમેન્ટ હજુય બાકી

વર્ગ-૨ અને ૩ના કર્મચારીઓની અછતથી એસેસમેન્ટની કામગીરી ગોકળગતિએ

 

અમદાવાદ : વેટ કાયદો સમાપ્ત થઈ જીએસટી ટેક્સ લાગુ થયો તેને જુલાઈ મહિનામાં એક વર્ષ પૂર્ણ થયું છતાં પણ વેટ વખતના એસેસમેન્ટના અઢળક કેસો હજુ સુધી પેન્ડિંગ છે. જીએસટી તંત્ર દ્વારા આ તમામ એસેસમેન્ટના કેસોનો નિકાલ કરવા પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ અપૂરતા સ્ટાફને હિસાબે આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના કરદાતાઓ દ્વારા ભરવામાં આવતા સી ફોર્મ સાથે એચ ફોર્મની અંદર કોઈ પ્રકારની ખામી હોય અથવા તો ટર્નઓવરના આંકડાઓમાં કઈ પ્રકારની ભૂલ હોય કે પછી રજૂ કરેલા બિલ અને તેના પર ભરવાપાત્ર ટેક્સમાં મિસમેચ સહિત પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર દ્વારા એસેસમેન્ટ ટાસ્ક જનરેટ કરવામાં આવે છે. જેમાં તંત્ર દ્વારા કરદાતાની ટેક્સ ફાઇલ ઓપન કરીને સી-ફોર્મ,એચ ફોર્મ, તેમેજ ધટતા દસ્તાવેજો સાથે ખરીદ વેચાણના આંકડાઓની તપાસ તેમજ વેપારી પાસે તેના બીલ સહિતના દસ્તાવેજો માંગી તેનું એસેસમેન્ટ કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગ પાસે કર્મચારીઓની ઘટ હોવાને કારણે એસેસમેન્ટના અઢળક કેસો પેન્ડીંગ છે. જેના કારણે એક એક કર્મચારીઓ પર અંદાજીત ૬૦૦ કેસોના એસેસમેન્ટનું ભારણ યથાવત છે.