વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોએ સ્વખર્ચે નખત્રાણાથી ટ્રાન્સફોર્મર મંગાવ્યું

ભુજ ; અબડાસા તાલુકામાં શુક્રવારે વરસાદના કારણે જશાપર ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ર૪ કલાક સુધી લાઈટો બંધ રહેતા ગ્રામજનો અકળાઈ ઉઠ્યા હતા. જેથી પીજીવીસીએલમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ પીજીવીસીએલે અમારી પાસે સ્ટાફ અને વાહન નથી તેવું કહી હાથ ઉંચા કરી લીધા હતા. પીજીવીસીએલના જવાબદારો કહ્યું કે, તમે ગાડીની વ્યવસ્થા કરો તો નખત્રાણાથી ટ્રાન્સફોર્મર લાવી ફીટ કરી આપીએ જેથી ઉપસરપંચના પુત્ર અસલમ નોતિયારે સ્વખર્ચે વાહનની વ્યવસ્થા કરી યુવાનો નખત્રાણાથી વીજ ટ્રાન્સફોર્મર લઈ આવ્યા હતા. જેથી સ્થાનિકોની મદદથી ફરી ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો.