‘વીઆઇપી’ઓની સુરક્ષાની સમીક્ષા કરશે કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : રાજકારણીઓ અને વીઆઇપીઓને આપવામાં આવેલા સુરક્ષા કવચની ઉચ્ચસ્તરીય સમિતિ સમીક્ષા કરશે અને આતંકવાદી જૂથે કે અન્ય સંગઠન તરફથી તેમના પર હુમલો થવાની શક્યતા છે કે નહીં તેની ચકાસણી કરશે, એમ ગૃહ ખાતાના અધિકારીએ કહ્યું હતું. કેન્દ્રના ગૃહ સચિવના વડપણ હેઠળની સમિતિ ગુપ્તચર ખાતા દ્વારા પૂરી પાડવામાં આવનારી માહિતીને આધારે રાજકારણીઓ અને વીઆઇપીઓને આતંકવાદી કે અન્ય સંગઠન તરફથી હુમલાનો ભય છે કે નહીં તેની ચકાસણી કરશે અને તેમને એનએસજી કમાન્ડો કે અન્ય સુરક્ષા એજન્સીના રક્ષણની જરૂર છે કે નહીં તેની સમીક્ષા કરશે. ગુપ્તચર ખાતા દ્વારા પૂરી પાડવામાં આવનારી માહિતીને આધારે સમિતિ જે તે વ્યક્તિને સુરક્ષા કવચની જરૂર છે કે નહીં અને કોની સુરક્ષા વ્યવસ્થા ઘટાડવાની કે બંધ કરવાની જરૂર છે એ અંગે નિર્ણય લેશે. ક્‌ઝેડ-પ્લસ કક્ષાની સુરક્ષા ધરાવતા નેતાઓમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદ, માયાવતી, આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રફુલ્લ કુમાર મહંતો, અને તરુણ ગોગોઇનો સમાવેશ થાય છે. અંદાજે ૭૫ જેટલા વીઆઇપીઓ સીઆરપીએફ, ૭૦ વીઆઇપીઓ સીઆઈએસએફ, ૧૫ વીઆઈપીઓ આઈટીબીપી, ૧૨ વીઆઇપીઓ એનએસજી અને ૨૦૦ વીઆઇપી દિલ્હી પોલીસનું સુરક્ષા કવચ ધરાવે છે.