વિસનગરમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતો શખ્સ ઝડપાયો

(જી.એન.એસ.)વિસનગર,મહેસાણા જિલ્લામાં વાહન વ્યવહાર માટે આરટીઓ કચેરી કાર્યરત છે. જોકે, સરકારી નિયમો નેવે મૂકી ચાલતી આ કચેરીથી અનેક આરટીઓના સેટિંગથી કામકાજ કરી આપતા એજન્ટોનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં માત્ર એજન્ટ રાજ જ નહીં, પરંતુ કેટલાક ઈસમો તો આરટીઓને પણ ચકમો આપી પોતાની જાતે વાહનોના બનાવટી દસ્તાવેજો ઉભા કરી મસમોટી કમાણી કરી રહ્યા છે. મહેસાણા એલસીબીની ટીમને આવો જ એક ગઠિયો ઝડપી પાડ્યો છે.એક ગઠિયો વિસનગર તાલુકા પંચાયત સામે ગ્રાહક સેવા કેન્દ્ર નામની ઠગબાજીની દુકાન ખોલી ત્યાં આવતા ગ્રાહકોને બનાવટી લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો તૈયાર કરી આપતો હોવાની માહિતી મહેસાણાં એલસીબીને મળી હતી.બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી બનાવ સ્થળે દરોડા પાડતા ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાંથી વસીમ હિંમતખાન ચૌહાણ નામનો એક શખ્સ મળી આવ્યો હતો. જ્યારે દુકાનમાંથી ચાર અલગ અલગ ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવતા જે વિશે પૂછતાં આરોપીએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેને લઈ શંકા જતા પોલીસની ટીમે તે લાયસન્સ સંદર્ભે મહેસાણા આરટીઓના તપાસ કરતા તે ચારેય લાયસન્સ બનાવટી હોવાનું સામે આવ્યું હતું.એલસીબીની ટીમે બનાવટી લાયસન્સ સાથે આરોપી વાસીમની અટકાયત કરી વિસનગર શહેર પોલીસ મથકે લઈ જઈ તેની વિરુદ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી અને ૧૦૨ મુજબ ગુનો નોંધાવ્યો હતો. વિસનગર શહેર પોલીસે બનાવટી દસ્તવેજો મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.