વિશ્વ પર્યાવરણ દિન છે ત્યારે : બન્નીમાં દોડતી રહસ્યમય છરબત્તી ખરેખર શું છે..?

ભુજ : આજે પર્યાવરણ દિવસે કચ્છના પર્યાવરણીય મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ છેડાઈ છે.પર્યાવરણ સંરક્ષણની રીતે કચ્છના અમૂક વિસ્તારોનું યોગદાન આજે યાદ કરવા લાયક છે તેમાં બન્ની વિસ્તારનું નામ સૌથી અગ્રીમ હરોળમાં આવે. સરકારના વનતંત્ર અને ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓએ બન્ની વિસ્તારમાં કામગીરી કરીને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા છે, જેના હકારાત્મક પરિણામો પણ મળ્યા છે. પરંતું બન્નીની જૈવિક વિવિધતા અને વન્યજીવન પર ખંતપૂર્વકનું કામ ઓછું થયું છે.માત્ર અમૂક વન્ય જીવોના નામ કંઠસ્થ કરીને, તેની વિશેષતાઓ પર પ્રવચનો આપવાથી વન્યજીવનનું રક્ષણ નથી થવાનું.બન્નીના વન્યજીવન પર લાંબા સંશોધનો કરીને ઘણાં લોકોએ સ્વપ્રસિધ્ધિ મેળવી અને વનતંત્રએ માત્ર સરકારી ગ્રાન્ટો મંજૂર કરાવવામાં જ રસ લીધો છે.આ વાત એટલા માટે કહેવી પડે છે કે બન્નીના નામે કરોડોના ધૂમાડા બાદ પણ આ વિસ્તારમાં રાત્રીના સમયે દેખાતી રહસ્યમય ‘છરબત્તી’ શું છે..? એનો જવાબ ન તો વનતંત્રએ ક્યારેય આપ્યો છે અને ન બન્ની માં વન્યજીવન ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓએ આ અંગે રસ લીધો છે. આજે પર્યાવરણ દિવસે ‘કચ્છ ઉદય’ સૌ પ્રથમ વખત બન્નીની કહેવાતી રહસ્યમય છરબત્તી વિશે માહીતિ રજૂ કરે છે. ભૂતકાળમાં આ રહસ્યમય લાઈટ વિશે સ્થાનિક શિક્ષિત યુવાનોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે કોઈની પાસે જવાબ ન હતો.હાજીપીર બન્ની પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ યાકુબ મુતવાએ આ રહસ્યને જાણવા રસ લીધો અને હિંમત પૂર્વક પ્રયાસો કર્યા અને છેવટે જાણવાં મળ્યું કે ખૂદ વનતંત્ર અને પર્યાવરણ વાદી સંસ્થાઓ જે છરબત્તીનું નામ સાંભળતા જ ડરી જાય છે એ વન્યજીવનનું દૂર્લભ અંગ આગિયો છે. આ આગિયા વિશે હજુ સુધી કોઈએ પ્રકાશ નથી પાડ્યો. બલ્કે કોઈએ જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો. નાની બન્નીના ફુલાઈ પાસે કિરા ડુંગરમાં આગિયા રાત્રે પડાવ નાંખે છે ત્યારે સુંદર દ્રશ્ય સર્જાય છે. મોટી દધ્ધરના યુવાન હારૂન નોડેએ જણાવ્યું કે ‘આગિયા’નું નામ છરબત્તી રાખી દેવું અને તેની સાથે ડરામણી ધાર્મિક માન્યતાઓ જાેડવા પાછળ કદાચ જૂની પેઢીના પર્યાવરણ પ્રેમીઓની વ્યુહરચના હોઈ શકે કે સદીઓ સુધી આ સુંદર જીવને કોઈ ખલેલ ન પહોંચાડે..! બન્નીના હિન્દુ – મુસ્લિમ માલધારીઓ આજેપણ અમૂક પરંપરાગત માન્યતાઓના કારણે આ આગિયાથી ડરે છે, અને તેની નજીક જવાની કે તેને હેરાન કરવાની કોશિશ નથી કરતાં..!! આમ લોકો આ સુંદર અને દૂર્લભ જીવને ખલેલ ન પહોંચાડે એ વ્યાજબી પણ છે.પણ વનતંત્ર કે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ બાબતે રસ નથી લીધો એ પર્યાવરણ દિવસની પાછળ છૂપાયેલા દંભને ઉજાગર કરે છે.