વિશ્વના ખતરનાક ૫ાંચ આતંકી ઝડપાયા

વોશિંગ્ટન : આતંકવાદી જૂથ ‘ઇસ્લામીક સ્ટેટ’ (આઇએસ)ના પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ ઝડપાઇ ગયાઃ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાતઃ આઇએસનો મુખિયા અબુ બકર અલ-બગદાદીના જમણા હાથ સમો સાથી-સહાયક અબુ-જેદ-અલ ઇરાકી પણ સામેલ છે. અમેરિકાના પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે મને ખુશી થાય છે કે વિશ્વના મોસ્ટ વોન્ટેડ પાંચ ત્રાસવાદીઓને ઝડપી લીધા છે. બે ઇરાકી અધિકારીઓએ ન્યુયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે કેટલાય મહિનાઓથી તેઓ આઇએસના સંખ્યાબંધ આતંકવાદીઓ ઉપર નજર રાખી રહ્યા હતા પરંતુ આ વર્ષના પ્રારંભે અમને ખુફિયા માહિતી મળી હતી જેના લીધે આ ધરપકડો થઇ શકી છે. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કરીને જાહેર કર્યુ હતું કે ઇસ્લામીક સ્ટેટ – આઇએસના ખતરનાક મોસ્ટ વોન્ટેડ ટેરરીસ્ટને પકડી લીધા છે. ન્યુયોર્ક ટાઇમ્સના ઇરાકી સૂત્રોના કહેવા મુજબ આ પાંચમાંથી ૪ ઇરાકના છે અને ૧ સીરીયાનો છે, જે તૂર્કી અને સિરીયામાં છૂપાયા હતાં. ૩ મહિનાથી ઓપરેશન ચાલુ હતું. દુનિયામાંથી ત્રાસવાદ ખતમ કરવા અમેરિકા જબ્બર કામ કરી રહ્યું છે. અને વારંવારની તાકિદ છતાં અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક નામના ત્રાસવાદી જૂથો ઉપર કાર્યવાહી કરવામાં પાકિસ્તાને દાંડાઇ કરતા અમેરિકાએ અબજો ડોલરની રોકડ-શસ્ત્રોની સહાય બંધ કરી દીધી હતી. ટ્રમ્પે તો ટવીટમાં આરોપ લગાવેલ કે પાકિસ્તાને અબજો ડોલરની સહાયના બદલામાં અમેરિકાને જૂઠ અને ફરેબ સિવાઇ કંઇ આપ્યું નથી. ૧પ વર્ષમાં અમેરિકાએ ૩૩૦૦ કરોડ ડોલર (ર૦ હજાર કરોડ રૂ.) ની કરેલ મદદના બદલામાં પાકિસ્તાને આતંકીઓને શરણું આપ્યાનો આક્ષેપ કરેલ.