વિવાદ ટાળવા કોંગ્રેસ બીજા તબક્કાના ઉમેદવારોને ૨૬મીએ જ જાહેર કરશે

અમદાવાદ : કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત બાદ વિવાદ ટાળવા માટે વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકના ઉમેદવારોની જાહેરાત બીજા તબક્કાની ઉમેદવારી કરવાના ૨૭મી નવેમ્બર પહેલાંના એક દિવસ, એટલે કે ૨૬મીએ જ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અને છોટુભાઈ વસાવા વચ્ચે થયેલી સમજૂતિમાં સુરતની માંગરોળ બેઠકના ઉમેદવાર ઉત્તમ વસાવા જેલમાં રહીને ચૂંટણી લડશે. ઉત્તર ગુજરાતની પ્રાંતિજની બેઠકના સીટિંગ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારેયાને કોંગ્રેસે રિપીટ કરતાં સ્થાનિકોમાં ભારે વિરોધ ઊઠ્‌યો છે અને બારૈયાને બદલવાની માગ ઊઠી છે.કોંગ્રેસમાં અત્યારસુધી જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીના ૭૭ ઉમેદવારોમાંથી મોટાભાગની બેઠકના ઉમેદવાર સામે નાના-મોટા વિરોધને બાદ કરતાં ઊગ્ર વિરોધ ટાળી શકાયો છે. જો કે, છેલ્લે છેલ્લે પાટીદાર અનામત આંદોલન સમિતિને વિશ્વાસમાં લીધા વિના જાહેર કરવામાં આવેલાં કેટલાક ઉમેદવારોને કારણે બબાલ થઈ હતી પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને હાર્દિક વચ્ચે ટેલિફોનિક ચર્ચા બાદ ઉમેદવારો બદલીને આ વિરોધ ઠંડો પાડી દેવાયો છે. જો કે, બીજા તબક્કાની ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતની અનેક બેઠકો પર પટેલો અને ઓબીસી વચ્ચે સંતુલન ન જળવાય તો ભારે વિવાદ થવાની શક્યતા પામી ગયેલી કોંગ્રેસે આ યાદી છેક ૨૬મીએ જાહેર કરવાની જાહેરાત કરી છે.