વિવાદઃ સેના હટાવવા અંગે ૯ એપ્રિલે વાત કરશે ભારત-ચીન

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,પૂર્વીય લદ્દાખના પૈંગોગ સરોવર વિસ્તારમાંથી પોત-પોતાની સેના પાછી હટાવ્યા બાદ ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરના સંઘર્ષવાળા અન્ય બિંદુઓ અંગે વાતચીત કરશે. બંને દેશ વચ્ચે ૯ એપ્રિલના રોજ સૈન્ય કમાંડર સ્તરની આ વાર્તા યોજાય તેવી શક્યતા છે. તેમાં લદ્દાખના ગોગરા, હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનમાંથી સેનાઓને પાછી હટાવવા અંગે વાતચીત થઈ શકે છે. બંને દેશ વચ્ચે સૈન્ય સ્તરની આ વાર્તા રાજદ્વારી સ્તરના વાર્તાલાપ બાદ તાત્કાલિક થઈ રહી છે. તેમાં રાજદ્વારી સ્તરની વાતચીત દરમિયાન જે મુદ્દાઓ ઉઠાવવામાં આવેલા તેના પર વિસ્તારથી ચર્ચા થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, બંને દેશ વચ્ચે આશરે એકાદ વર્ષ સુધી એલએસી મામલે વિવાદ ચાલ્યો હતો જેમાં ગત મહિને પૈંગોગ સરોવર વિસ્તારના વિવાદનો અંત આવ્યો છે. બંને દેશો સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાર્તાઓના લાંબા દોર પછી સરોવરના અથડામણવાળા વિસ્તારમાંથી સેનાઓ પાછી હટાવવા સહમત થયા હતા. હિતધારકોએ તેનો શ્રેય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેને આપ્યો હતો.