વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જવલંત બહુમતિ પ્રાપ્ત કરશે : કુંવરજી બાવળિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કચ્છની મુલાકાતે : ભુજ વિધાનસભાના પ્રભારી જે.ડી. મિશ્રા પણ રહ્યા ઉપસ્થિત : છએ છ વિધાનસભા બેઠકના દાવેદારો,સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ સાથે ઘડશે ચૂંટણીલક્ષી રણનીતિ

 

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા હોઈ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે પાછલા બે દાયકા વધુ સમયથી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ પક્ષ પણ ફરી સત્તા હાંસિલ કરવા નવા જામ જાશ સાથે ચૂંટણી પ્રચાર ઉતર્યું છે. ત્યારે ગુજરાત નવસર્જનના ભાગરૂપે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જવલંત સીટો પર વિજય પ્રાપ્ત કરી સત્તા સ્થાને આરૂઢ થશે તેવું કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંભવતઃ ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં યોજાવાની હોઈ રાજ્યમાં ચૂંટણીલક્ષી માહોલ બરાબરનો જામી રહ્યો છે. ત્યારે આજે કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાએ ભુજ ઉમેદભવન મધ્યે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતુ કે, વિધાનસભા ચૂંટણીના અનુસંધાને કચ્છી છએ છ બેઠકોની સમીક્ષા કરાશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો, સંગઠનના હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી રણનીતિ ઘડાશે. છ બેઠકો માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારો અને સંગઠન વચ્ચે સંકલન સંધાય તે માટે જરૂરી માર્ગદર્શન અપાશે. પક્ષ દ્વારા જે પણ દાવેદારોને ટિકિટ ફાળવાય તેને એકજુટ બની કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોથી લઈને નાનામાં નાના કાર્યકરો પક્ષ માટે કાર્ય કરે તેવી શીખ પણ તેમણે આપી હતી. અંતમાં તેમણે જણાવ્યું હતુ કે, ર૦૧૭ વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં કોંગ્રેસ આવે છે, નવસર્જન ગુજરાતનું સુત્ર વહેતું કરાયું છે. ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસ પ્રચંડ બહુમતિ પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. કચ્છની એકદિવસીય મુલાકાતે આવેલ કુંવરજીભાઈ બાવળિયા, નખત્રાણા, માંડવી, ગાંધીધામ, અંજાર, રાપર ખાતે સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે બેઠક કરશે. આજની આ પત્રકાર પરિષદ વેળાએ ભુજ વિધાનસભાના પ્રભારી જે.ડી. મિશ્રા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, પ્રદેશ આગેવાન આદમ ચાકી, ભુજ શહેર પ્રમુખ રસીક ઠક્કર, જિલ્લા પંચાયત સદ્દસ્ય હરિભાઈ આહીર, રફીક મારા, હરીશ આહીર, અર્ચના જોષી, માયાબેન મહેતા, માનસી શાહ, અંજલિ ગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.