વિધાનસભાનું બે દિવસનું સત્ર એ લોકશાહીની મશ્કરી : ધાનાણી

ગાંધીનગર : રાજયની ભાજપ સરકાર વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવીને લોકશાહીની મશ્કરી કરી રહી હોવાનો આક્ષેપ કરતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકોની સમસ્યાને વાચા આપવા માટે સત્રના દિવસો વધારવાની માગ કરી છે. લોકોના પ્રશ્નો-અવાજમાંથી આંદોલન ઊભું થાય તો સરકાર પોલીસ તંત્રને સતત દુરુપયોગ કરી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. વિરોધપક્ષના નેતા ધાનાણીએ આગામી ૧૮-૧૯ સપ્ટેમ્બરના બે દિવસીય વિધાનસભા સત્ર યોજવાના સરકારના નિર્ણયની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે. કાર્યપાલિકા ઉપર સરકારનું નિયંત્રણ નથી. લોકોની વધતી જતી સમસ્યાઓ જ્યારે આંદોલનના અવાજ તરીકે ઉભરે ત્યારે પોલીસ તંત્રનો સતત દુરુપયોગ કરાઈ રહ્યો છે. કમનસીબે ભાજપના રાજમાં વિધાનસભાના સત્ર અને તેના દિવસો સતત ઘટી રહ્યા છે. માત્ર બંધારણીય જવાબદારી નિભાવવા માટે બે દિવસનું ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું છે. આ અગાઉ વિરોધપક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યના જુદા જુદા વર્ગની સમસ્યાઓને વાચા આપવા માટે વિશેષ સત્ર બોલાવવા માંગણી કરી હતી, જેને આ તાનાશાહી સરકારે ફગાવી દીધી હતી.