વિદેશમાં નાણા મોકલનાર નારાણપર (રાવરી)ના આધેડ સાથે બે લાખની ઠગાઈ

મની ટ્રાન્સફર કરાવવા ગયેલા આધેડના રૂપિયા આરોપીએ પોતાના ખાતામાં જમા કરી પરત ન આપતા નોંધાયો ગુનો

ભુજ : તાલુકાના નારાણપર રાવરીમાં રહેતા આધેડ સાથે વિદેશમાં નાણા ટ્રાન્સફર કરવાના બહાને રૂપિયા બે લાખની ઠગાઈ કરાતા માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે. દોઢેક વર્ષ પૂર્વે બનેલા બનાવ બાદ ભુજની બેન્કર્સ કોલોનીમાં રહેતા શખ્સ સામે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નારાણપર (રાવરી)માં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા અશ્વિનભાઈ હીરાલાલ પઢારીયાએ ભુજની બેન્કર્સ કોલોનીમાં રહેતા ઉદય લક્ષ્મીકાંત ભટ્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને વિદેશમાં નાણા મોકલવાના હોવાથી તેઓ ભુજની ઈન્ડસાઈન્ડ બેંકમાં ગયા હતા. જેને બેંકમાંથી કશ્યપ એન્ટરપ્રાઈઝમાં રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. દરમ્યાન ફરિયાદીએ આરોપી ઉદય ભટ્ટને રૂા. બે લાખ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું ત્યારે આરોપીએ જે તે પાર્ટીને રકમ ટ્રાન્સફર નહીં કરીને વિશ્વાસઘાત – છેતરપિંડી આચરી હતી. બાદમાં રકમ પરત આપવાનું જણાવ્યું હતું. પરંતુ દોઢ વર્ષથી ઉપરનો સમય થયો હોવા છતાં આરોપીએ રકમ પરત ન આપતા અંતે ફરિયાદીએ માનકુવા પોલીસ મથકે વિશ્વાસઘાત – છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. બનાવને પગલે પીએસઆઈ બી. એસ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.