વિજય માલ્યા અઠંગ ખેલાડીઃ લોનના પૈસાથી જલ્સા કર્યા

મુંબઇ : ભારતના ભાગેડુ વેપારી વિજય માલ્યાએ બેંકો પાસેથી લીધેલી લોનના પૈસાને પોતાના શોખ પાછળ વાપરી નાખ્યા હતા. ઇડીના અધિકારીઓએ જણાવ્યુ છે કે માલ્યાએ ફોર્મ્યુલા-૧માં બેંકો પાસેથી લીધેલી લોનના પૈસા લગાવ્યા હતા. મળતી માહિતી મુજબ માલ્યાએ આઇડીબીઆઇ બેંક પાસેથી લીધેલી લોનમાંથી પ૩.૬૯ કરોડ રૂપિયા દેશની બહાર બે હપ્તા ફોર્મ્યુલા-૧ ટીમને ફંડ કરવા માટે મોકલ્યા હતા. ઇડીના અધિકારીઓના કહેવા મુજબ આઇડીબીઆઇ પાસેથી માલ્યાએ ૯પ૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેનો એક હિસ્સો ઓકટોબર-ર૦૦૯માં લંડનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અધિકારીઓના કહેવા મુજબ લંડન ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસાને  પોતાની ફોર્સ ઇન્ડિયા ફોર્મ્યુલા-૧ ટીમમાં લગાવ્યા હતા. અધિકારીઓએ કહ્યુ હતુ કે, પૈસાને બેંક ઓફ બરોડાના કિંગ ફિશર એરલાઇન્સના ખાતામાંથી ફોર્સ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરાયા હતા. હવે એ તપાસ થઇ રહી છે કે કિંગ ફિશર એરલાઇન્સ ખુદ માંદગીના ખાટલે છે તો એ માલ્યાની ટીમને કઇ રીતે ફંડ ટ્રાન્સફર કરતી રહી ?