વિજયભાઈ.સિંધુજળથી કચ્છને બનાવો નંદનવન

ફરી મેઘરાજા રીસાયા છે અને કચ્છ પર જળસંકટનો મોટા ખેતરાો તોળાય છે ત્યારે સૂચક સંકેત : સ્થાનિક સોર્સનું ઘટતું મહત્વ, નર્મદાજળની નિયમિત અનિયમિતતા, કેનાલોમાં મોટા ગાબડાઓ, પાઈપલાઈનોમાં છાશવારે મસમોટા ભંગાણો પડવા સહિતના બનતા ઘટનાક્રમ ટાંકણે કચ્છને પીવાના અને સિંચાઈના પાણી માટે મજબુત વૈકલ્પિક સ્ત્રોતની છે આવશ્કયતા

 

કચ્છના જળઅભ્યાસુઓ યોજે ગોષ્ઠી : દસ્તાવેજી આધારો સાથે ગુજરાત સરકારનું દોરે ધ્યાન અને ગુજરાત સરકાર આ સંજોગ-સ્થિતિનો લાભ લઈ સાચું ચિત્ર વેળાસર સવાયા કચ્છી પીએમ સુધી પહોંચતું કરે તે જરૂરી

 

તો કચ્છ સરહદનો પીવાના પાણીનો મહદઅંશે આવે ઉકેલ
ગાંધીધામ : પાણી પુરવઠા બોર્ડના તજજ્ઞોની વાત માનીએ તો પાકિસ્તાન અને ભારતની સરહદ પર સિંધુના પાણીના કારણે શકુર લેક બનાવ્યો છે. ૩૦૦ કિ.મી.માં ફેલાયેલ આ લેકનો ર૧૦ કી.મી.નો વિસ્તાર ભારતમાં અને ૯૦ કિ.મી.નો વિસ્તાર પાકીસ્તાનમાં છે. સિંધુનું પુરનું પાણી ધોરોપુરાણમાં થઈને શકુર લેકમાં આવે છે. જોકે તેમાં પાકિસ્તાન વિસ્તારના ખાંડ કારખાનાનું બદીન જીલ્લાનું ગંદુ પાણી પણ ભળે છે. જયારે ભારતે આ પાણીના સેમ્પલ લીધા અને તેનું પરીક્ષણ કર્યું તો આ પાણીમાં માનવને નુકસાનકારક હેવી મેટલ્સ જોવા મળ્યા ન હતા પરંતુ આ પાણીનું ટીડીએસ, પીએચ, કલોરાઈડ અને અલ્કલાઈન લેવલ ઘણું વધુ હતી. જો સતીષ પોસ્ટ પર ક્ષાર નિયંત્રણ માટે ડિસીલેનેશન પ્લાન્ટ નખાય અને આ પાણીનું શુદ્ધિકરણ કરાય તો તે પીવાલાયક બની શકે તેમ છે. ધરમશાલા પાસે ૩૬ મીટરની ઉંડાઈએ પાણી હોવાનું રિમોટ સેન્સીંગથી જણાયું હતું પરંતુ આ સ્થળ દરીયાથી વધુ નજીક હોવાથી દરિયાથી રપ કી.મી.દુર આવેલા ગેન્ડી પોસ્ટ પર ૯૦ મીટરનું ઉંડાઈએ આવેલુું ભુગર્ભ જળ બહાર ખેંચવા બોર બનાવવાનું આયોજન છે. જો અહીં પાણી મળે અને તેના પર ટ્રીટમેન્ટ કર્યા પછી તે પીવાલાયક બને તો સરહદ પરનો પાણીનો પ્રશ્ન મહદઅંશે ઉકેલાય જાય.

 

 

 

 

સિંધુના પાતાળ પાણીનું કેમ ન થાય સંશોધન ?
ગાંધીધામ : સિંધુના પાતાળ-પાણી અંગે વાત કરીએ તો પાકિસ્તાન જમીનનું ક્ષારતત્વ ઘટાડવા માટે સિંધુનું પાણી વાપરે છે. તેનું વેસ્ટ વોટર અતિ ક્ષાર યુકત હોય છે. તેમાં ગટરના પાણી પણ ભરેલા હોય છે. આથી આ પાણી એમ ને એમ વાપરી શકાય જ નહીં, પરંતુ મોટા રણમાં સિંધુ અને સરસ્વતીના પાણીનો પ્રવાહ ઉપગ્રહીય તસ્વીરમાં જોવા મળી રહ્યો છે. આ પ્રવાહોનો યોગ્ય રીતે અભ્યાસ કરીને જો બોર બનાવાય તો તેના પાણીનો ઉપયોગ થઈ શકે તેમ છે. સદીઓ પહેલા મોટું રણ ફળદ્રુપ જમીન હતી. અહીં નદી કિનારે બંદરો અને શહેરો વસેલા હતા. સારી ખેતી થતી હતી. આથી જમીનના પેટાળમાં પાણીનો પ્રવાહ વહે છે એ વાત સાચી હતી.

 

 

 

 

રાજસ્થાન-હરીયાણા ઢીંચે છે કચ્છના હક્કનું સિંધુ જળ

ગાંધીધામ : કચ્છને સિંધુના ભુતકાળની વાત કરીએ તો ૧૮૧૯ના ધરતીકંપ પહેલા સિંધુ લખપત સુધી વહેતી હતી. આથી સિંધુના પાણી પર કચ્છનો અધિકાર છે, પરંતુ કચ્છના ભોગે રાજસ્થાન અને હરિયાણાને પાણી અપાયું છે. જમીનના પેટાળમાં હજુ સિંધુના પાણી વહી રહ્યા છે. નેત્રા પાસે બનેલા પાતાળ કુવામાં નીકળતું પાણી સિંધુનું હોવાનું મનાય છે. આ પાતાળ કુવા આધારિત જુથ પાણી પુરવઠા યોજના પણ ચાલી રહી છે. ર૦૦૧ના ભુકંપ પછી સિંધુના વહેણ પુનર્જીવિત થઈ રહ્યા હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે ત્યારે જમીન ઉપરથી સિંધુનું પાણી ન મળે તો પેટાળનું પાણી મેળવવું જોઈએ.

 

 

૯ મિલિયન એકર ફુટ વેડફાઈ જતું પાણી કચ્છને અપાવો
ગાંધીધામ : કચ્છ સરહદી જીલ્લો છે. આ જીલ્લાના ૯૦૦થી વધુ ગામો પૈકીના ૭૦૦ જેટલા ગામો નો-સોર્સ વોટર જાહેર થયેલા છે. ભારતના સિંચાઈ પંચે ૭૦ના દાયકામાં જીલ્લાના દસે દસ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા. અત્યારે પણ પરિસ્થિતિમાં વિશેષ ફરક પડયા નથી. ત્યારે સરહદી વિસ્તાર ઉજ્જડ ન બને તે હેતુથી કચ્છને વધુ પાણીની તાતી જરૂર છે. અત્યાર સુધી હિમાલયની પુર્વની જે ત્રણ નદીઓના પાણી ભારતના ફાળે આવ્યા છે તેમાંથી લગભગ ૮ થી ૯ મિલિયન એકર ફુટ પાણી વપરાયા વગરનું રહેતું હોવાથી તે પાકિસ્તાન તરફ વહી જાય છે.

 

 

 

સરહદ પર તનાવસર્જતા નાપાક મુલકને પીએમ આપે વ્યુહાત્મક ફટકો
સવાયા કચ્છી શ્રી મોદીજી પાકને આપે સિંધુુ જળનો ઝટકો
ગાંધીધામ : જમ્મુ કાશ્મીરના ઉરી સેકટરમાં લશ્કરી છાવણીમાં થયેલા હુમલામાં ૧૮ જવાનો શહીદ થયા પછી પાકીસ્તાન સામેના કડક પગલાના ભાગરૂપે વહી જતા પાણી રોકવાની કાર્યવાહી થઈ છે. વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ આ બાબતે હરકતમાં આવેલાહ તા ત્યારે હકીકતમાં આ સ્થિતી સંજોગનો લાભ પણ કચ્છના અભ્યાસુઓ અને ગુજરાત સરકાર મેળવે ે હિતાવહ જ કહી શકાય તેમ છે. આ પાણી કચ્છને આપવા જોઈએ. આ માટે રાજસ્થાન કેનાલને લંબાવવાની જરૂર છે અથવા ૬ ફુટ વ્યાસની મોટી પાઈપલાઈન નાખીને પાણી કચ્છ સુધી લંબાવી શકાય.

 

 

 

 

પાક. કરે છે સિંધુ જળ કરારનો ભંગઃ ના-પાક લીન્ચીંગથી બન્ની બન્યું છે ઉજજડ
ગાંધીધામ : અત્યારે પાકિસ્તાન લિચિંગ પ્રોસેસ(જમીનની ખારાશ ઘટાડવા માટે થતી પ્રક્રિયા)માં વાપરેલું સિંધુનું પાણી કચ્છના રણમાં છોડે છે. આ પાણી તીવ્રતમ ક્ષારયુકત હોવાથી બન્ની વિસ્તારની જમીનને ભારે નુકશાન કરે છે. તેના કારણે અનેક ગામડા પણ ઉજ્જડ થઈ રહ્યા છે. બીજા દેશને નુકસાનકર્તા હોય તે રીતે પાણી વાપરી શકાય નહીં તેવી સિંધુ કરારમાં શરત હોવા છતાં તેનો સરેઆમ ભંગ થાય છે.સિંધુનું વહેતું પાણી કચ્છને મળતુંનથી, પરંતુ જમીનના પેટાળમાં પણ સિંધુના જળ વહી રહ્યા છે, તે મેળવવા પણ પ્રયાસો શરૂ થયા છે.

 

 

 

 

શું હતા ભારત-પાક વચ્ચે સિંધુ જળ કરાર?
ગાંધીધામ : ૧૯૪૩માં કચ્છના મહારાવ વિજયરાજજીએ સિંધ સરકાર પાસે કોટરી ખાતે બંધાનારા સિધુ બેરેજ(બંધ)માંથી કચ્છને પાણી આપવા વાટાઘાટો કરી હતી. કોટરીથી નહેર કાઢીને ર૬પ૦ ઘનફુટ પ્રતિ સેકન્ડ(કયુસેક) પાણી મેળવવા સર્વે કરાયો હતો. આ સુચિત કેનાલ દ્વારા બન્ની અને રણની ૮પ હજાર એક જમીનને સિંચાઈ સુવિધા આપવાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ૧૯૪૬માં સેન્ટ્રલ વોટર પાવર ઈરીગેશન અને નેવીગેશન કમિશન તથા ઈન્ડીયન વોટરવેઝ એકસપરિમેન્ટ સ્ટેશનના ડાયરેકટર સમક્ષ પણ વાત મુકાઈ હતી. તે સમયે તપાસના અંતે સિંધુના પાણી કચ્છને આપવા માટે કેનાલ બનાવવી શકય છે તે વાત સાબીત થઈ હતી આઝાદી પછી કચ્છ ક વર્ગનું રાજય બન્યું મુંબઈ રાજયમાં ભળ્યું, પછી ગુજરાતમાં ભળ્યું, તમામ સમયે વિવિધ સ્તરે સિંધનું પાણી કચ્છને મળે તે માટે સ્થાનિક, નેતાગીરી દ્વારા પ્રયાસો થતા રહ્યા, પરંતુ સફળ ન રહ્યા. ત્યાર બાદ ૧૯૬૦માં સિંધુ જળ કરાર થયા. તેમાં ભારતને પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબના પાણીનો ઘરવપરાશ તથા નિયત ખેતીવાડી માટે વપરાશ કરવાની છુટ અપાઈ છે અને વધારાનું પાણી બેરોકટોક મુકતપણે વહેવા દેવાનું નક્કી કરાયું છે.

 

 

 

સિંધુના પાણી અને કચ્છ નામનું પુસ્તક પણ બને મહત્વપૂર્ણ આધાર
ગાંધીધામ : નોધનીય છે કે, સિઘુના પાણી અને કચ્છ નામનું એક પુસ્તક અબડાસાના માજી ધારાસભ્ય અને અભ્યાસુ મહેશભાઈ ઠક્કરે બે ભાગમાં લખ્યુ છે. અને તેના આધારે વાત કરીએ તોે સિંધુના અવેજીનું પાણી મેળવવા થયેલા તબક્કાવાર પ્રયત્નો અંગે જણાવે છે કે, સદીઓથી વહેતા સિંધુ નદીના પાણી ૧૯મી સદીની શરૂઆત સુધી કચ્છને નવજીવન આપતા હતા. તેથી કચ્છના ઉતર અને પશ્ચિમ વિસ્તારોમાં ચોખાની મોટાપાયે ખેતી થતી હતી. સિંધુના પાણી પરનો કચ્છના અધિકારનો ભુતકાળમાં વાંધા રહિત સ્વીકાર થયો હતો. રૂઠેલી કુદરતને કારણે વહેણ બદલનારી સિંધુના પાણી કચ્છ માટે મેળવવા આઝાદી પહેલા પણ પ્રયાસો થયા હતા પરંતુ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી થયેલા વિવિધ પ્રયત્નોનું પરિણામ શુન્ય આવ્યું છે.

 

 

 

ગાંધીધામ : નર્મદાનું પાણી કચ્છને અનિયમતિત રીતે અને અપુરતું મળતું હોવાના કારણે પીવા માટેના પાણીની રાડ સમયાંતરે સંભળાયા કરે છે. જયારે પશ્ચિમ કચ્છ માટે તો સિંચાઈ માટે નર્મદાનું પાણી હજુ સ્વપન્ન છે. પુર્વ કચ્છના પણ બહુ થોડા ભાગને પાણી મળે છે પરંતુ તે પણ અનિયમિત છે. આથી સિંધુના પાણીના અવેજીનું પાણી રાજસ્થાન નહેર વાટે કચ્છને મળે અને સિંધુના ભુગર્ભ જળના આધારે બોર તૈયાર કરીને પાણીની સમસ્યા હલ કરવાનો આ સમય છે. ગુજરાત સરકાર માટે હાલના સમયે પણકોઈ મોટો પડકાર સમાન પ્રશ્ન હોય તો ઉત્તર ગુજરાત તથા કચ્છમાં પાણીનો પ્રશ્ન બની રહ્યો છે. જળના વિકટ બની રહેલા આ પ્રશ્નના ઉકેલની દીશામાં વૈકલ્પીક સ્રોત પર પણ કામ કરવામાં આવે તે જ સમયની માંગ બની રહી છે. કચ્છના જળઅભ્યાસુઓ, વહીવટીતંત્ર, ગુજરાત સરકાર એકમંચ આવે અને કેન્દ્રમાં બેઠેલ સવાયા કચ્છી પીએમ તથા સિંઘુજળને કચ્છ ભણી લાવવાની ગુજરાતના તેઓના મુખ્યપ્રધાન કાળ વખતે પણ છ સદસ્યોની સમીતીની રચના કરનારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને અસરકારક અને ધારદાર રજુઆત કરી દેખાડે તે કચ્છ અને કચ્છ વતીથી રાષ્ટ્રહિતનો પણ વિષય કહી શકાય તેમ છે.
કચ્છના ભાગ્યવિધાતા તરીકે પહેલા મેઘરાજા અને પછી નર્મદાને મનાય છે, પરંતુ નર્મદા અત્યાર સુધી તો ભાગ્ય વિધાતા બની શકી નથી. અત્યારે પણ નર્મદાનું પાણી મળતું હોવા છતા લોકોને બોર પર આધાર રાખવો પડે છે. આથી નર્મદાના પાણી ઉપરાંત જેટલી ઘટ પડે તેટલું પાણી જો સિંધુ અથવા હિમાલયની નદીઓનું મળે તો કચ્છની પાણીની મુશ્કેલી મહદઅંશે હળવી બને.
હવે જયારે કેન્દ્ર સરકાર પાકિસ્તાનમાં વહી જતાં હિમાલયની નદીઓના વધારાના પાણી અટકાવવા પ્રયત્નશીલ છે ત્યારે આ પાણી કચ્છને ફાળવવા જ જોઈએ તોજ નર્મદાના પાણીનો એક સદ્ધર વિકલ્પ ઉભો થશે અને કચ્છને તેની જરૂરત મુજબનું પાણી મળી રહેશે આ માટે અત્યારે જ જો તમામ તરફથી પ્રયત્ન થાય તો શુભ ફળ મળી શકે.મોસાળમાં જમણ અને માં પીરસનારી એવું જયારે શ્રી મુખ્યમંત્રીએ થોડા સમય પહેલા કહ્યું હતું.
સિંધુના જળ અંગે પ્રથમવાર અવાજ ઉઠાવનારા શ્રી નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન છે ત્યારે કચ્છના પ્રાણ પ્રશ્ન સમો પાણીનો પ્રશ્ન સિંધુ અને હિમાલયની નદીઓના જળ વડે ઉકેલવા તમામ સ્તરથી એડીચોટીનું જોર લગાવાય તે સમયની માંગ બની રહી છે. ખુદ કેન્દ્ર સરકાર જયારે આ જળ પાકીસ્તાનને અટકાવાવ રોકવા મથી રહી છે ત્યારે કચ્છમાથી જો આ માટેની અસરકાર અભ્યાસ અને દસ્તાવેજ સાથેની રજુઆત કરવામા આવે અને તે દીશામાં જો કોઈ ફળદાયી કામ થશે તો કચ્છથી વધુ એક રાષ્ટ્રહિત સંધાશે તેમ કહેવુ પણઅસ્થાન નહી ગણાય.