વિકાસ વગરનું ગુજરાત કલ્પી ન શકાય : વિજય રૂપાણી

સામખિયાળી મધ્યે ગુજરાત ગૌરવ યાત્રાનું કરાયું ભવ્ય સન્માન : મુખ્યમંત્રીએ ભર્યા કોંગ્રેસ પર ચાબખા

ગુજરાતમાં થયેલ વિકાસની ચર્ચા દરેક રાજ્યમાં થઈ રહી છે : હંસરાજ આહીર :
નરેન્દ્ર મોદીએ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું : અનુરાગ ઠાકોર

 

સામખિયાળી : વિકાસ કોંગ્રેસ માટે મજાક છે પરંતુ ભાજપ માટે મિજાજ છે. મોદી અને ભાજપ સરકારે રાજનીતિનો નવો ચીલો શરૂ કર્યો હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. સામખિયાળી ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થતા મુખ્યમંંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો તેમજ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જે બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, વિકાસ ભાજપનું લક્ષ્ય છે. વર્તમાને વિકાસ લોકોની ભૂખ બની છે. વિકાસ વગરનું ગુજરાત કલ્પી પણ ન શકાય. કોંગ્રેસના ૪પ વર્ષના શાસન અને ભાજપના ૧પ વર્ષના શાસનના કામોની છણાવટ કરતાં તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં માથાદિઠ આવક ૧૩ હજાર હતી. જે ભાજપના રાજ્યમાં વધી ૧.૪૦ લાખ થઈ. રાજ્યમાં કપાસની ઘાંસડીનું ઉત્પાદન વધ્યું છે. રાજ્યમાં ઔધોગિક વિકાસ થવાની સાથો સાથ કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં માત્ર ૧પ યુનિવર્સિટી હતી. જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ૭ યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી હતી. રાજ્યમાં એન્જિનીયરીંગ અને મેડિકલની સીટોમાં વધારો થયો હોવાનું પણ તેમણે અંતમાં ઉમેર્યું હતું.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીરે જણાવ્યું કે, ગુજરાતમાં થયેલ વિકાસની ચર્ચા દેશના દરેક રાજ્યોમાં થઈ રહી છે. તો તેમણે કહ્યું કે, સામખિયાળીએ વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહારાષ્ટ્રનો શહેરો કરતા સામખિયાળીનો વિકાસ ચડિયાતો હોવાનું જણાવી કહ્યું હતું કે, ગુજરાત રાજ્યે પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે. ગુજરાતમાં થયેલ સર્વાંગી વિકાસના પગલે ગીરીબી દુર થઈ છે. રાજ્યમાં ગામડાઓના વિકાસ માટે બનેલ યોજનાઓ શ્રેષ્ઠ છે. કેન્દ્ર સરકારે લાદેલ નોટબંધીના પગલે આતંકી હુમલા, નકસલવાદ, કાશ્મીરમાં થતા પથ્થર મારાઓની ઘટનાઓ સદંતર બંધ થઈ ગઈ હોવાનું જણાવી કોંગ્રેસને આડેહાથે લેતા જણાવ્યું કે, કોંગ્રેસી સરકાર નપાણી સરકાર હતી. રાષ્ટ્રીય યુવા ભાજપના પુર્વા અધ્યક્ષ અને વર્તમાન સાંસદ અનુરાગ ઠાકોરે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશની ચૂંટણી ગઈકાલે જ જાહેર થઈ છે અને ઉમેદવાર પસંદગી માટેની કાર્યવાહી શરૂ થઈ છે. તેમ છતાં ગુજરાતના વિકાસથી આકર્ષાઈ હું ગુજરાત ગૌરવ યાત્રામાં સામેલ થવા અહીં આવ્યો છું. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારે જે વિનાશ નોતર્યો હતો. તે આજદિન સુધી ભોગવી રહ્યા હોવાનું જણાવી કહ્યું હતુ કે, ગુજરાત જેવો જ વિકાસ હિમાચલ પ્રદેશમાં કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ન માત્ર દેશમાં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભાજપ સરકારે ભ્રષ્ટાચારને નાબુદ કર્યો છે. રસ્તા પાણીની શ્રેષ્ઠ સુવિધા આપવાનો શ્રેય ભાજપ સરકારને ફાળે જાય છે તેવું જણાવ્યું હતું. આ વેળા કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, યોગી દેવનાથ બાપુ, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શીતલ છાંગા, ભચાઉ નગર અધ્યક્ષા ઉર્મિલાબેન પટેલ, ભાડા ચેરમેન વિકાસ રાજગોર, જનકસિંહ જાડેજા, નરેન્દ્રદાન ગઢવી, ઉમિયાશંકર જાષી, હિંમત જેસર, રણછોડ આહીર, જગદીશ મઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, હર્ષદ ઠક્કર, નરેન્દ્ર ઠક્કર, રાજેન્દ્ર ઠક્કર, કુલદીપસિંહ જાડેજા, ગોપાલભાઈ છાંગા, દયારામભાઈ સુબડ, રણછોડ ડાંગર, અમરાભાઈ બાડા, જીવણ પગી, દેવશી રબારી, બાબુભાઈ મણોદરા, અબ્દુલ રાઉમા, વિરજી દાફડા, પચાણ વાઘાણી, બાબુભાઈ સુથાર, અનિલ સાધુ, ઈશ્વર પૂજારા, રતુપુરી ગોસ્વામી, જયસુખ કુબડિયા, નાનજી ઘડા, જયંતી દરજી, પ્રવીણ પીઠડિયા, સુરા ચાવડા, વિરસલ ગઢવી, આમરજી છુછિયા, રવજી રાઠોડ, મોમાયા બાડા, સતીબેન બાડા, અમીન રાઉમા, ટપુભાઈ લોહાર, પ્રકાશભાઈ, હિરલ પ્રજાપતિ, વાઘજી આહીર, ચનાભાઈ આહીર, નામેરીભાઈ, ધરતીબેન દરજી, દયારામ મારાજ, હરિ આહીર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.