વાહ રે..ચૂંટણી… પૂતડું કોનું દહન કરવું હતું અને કોનું થયું…? ભાજપે કોંગી નેતા શક્તિસિંહના પુતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ

સરદાર પટેલનું ડીએનએ હાર્દિકમાં છે તેવું નિવેદન આપી કોંગ્રેસે બચાવ કરતા થયો વિરોધ : ભાજપે પહેલા હાર્દિકના પૂતળા દહનનું આપ્યું હતું એલાન પાછળથી કોંગ્રેસનો કર્યો વિરોધ

ભુજ : હાર્દિક પટેલનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે હાર્દિક પર હુમલો બોલાવ્યો હતો અને કોંગ્રેસ પાર્ટી હાર્દિકના બચાવમાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રવકતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ છે અને તેના ચારિત્ર્ય પર શંકા કરવીએ સરદાર પટેલનું અપમાન ગણાવાયું હતું. શક્તિસિંહના આ નિવેદનને પગલે ભાજપ દ્વારા તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
હાર્દિકના વાયરલ થયેલા વીડિયોમાં કોંગ્રેસ હાર્દિકનો બચાવ કરતા ભાજપે કોંગ્રેસ નેતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપે કોંગી પ્રવકતાના નિવેદનનું અર્થઘટન એવું કર્યું હતું કે, સરદાર પટેલ સાથે હાર્દિકને સરખાવીને કોંગ્રેસે સમસ્ત પાટીદાર સમાજ અને સરદાર પટેલનું અપમાન કર્યું છે અને આ મુદ્દે ભાજપે પૂતળા દહન કર્યું હતું. નોંધનીય છે કે, અગાઉ ભાજપ દ્વારા ઠેર ઠેર હાર્દિકના પૂતળા દહનનો કાર્યક્રમ નિર્ધારીત કરાયો હતો તેમાં વચ્ચે શક્તિસિંહે આપેલા નિવેદનને પગલે ભાજપે હાર્દિકના બદલે કોંગ્રેસના નેતાનું પૂતળા દહન કર્યું હતું. તેમાં પણ ભાજપે શક્તિસિંહને કેસરી ખમીશ પહેરાવીને પૂતળા દહન કરતા કેટલાક ભાજપના કાર્યકરોએ એવું પણ કહ્યું હતું કે, શક્તિસિંહને કેસરીયા કપડા કેમ પહેરાવ્યાં. ખૈર પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે દરેક પક્ષો પ્રચાર-અપપ્રચાર કરવાની એક પણ તક જવા દેવા તૈયાર નથી. આજે ભાજપ દ્વારા યોજાયેલા પૂતળા દહનના કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ નવિન લાલન, નગરપતિ અશોક હાથી, દિલીપ ત્રિવેદી, દેવરાજ ગઢવી, બિપીન દવે, આમદ જત, અનવર નોડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.