વાસણીયાથી શંકરસિંહ વાઘેલાએ ચુંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

શંકરસિંહ લોકોને રૂબરૂ મળી સીધા સંપર્ક સાધશે : ગુજરાતમાં ત્રીજા મોરચો સફળ થશે : ૧૦ મુદ્દાઓમાં ફીટ થતાં હોઈ તે જનવિકલ્પમાં જાડાઈ શકે છે

 

ગાંધીનગર : કોંગ્રેસને અલવિદા કરીને નવરચીત જનવિકલ્પ ફ્રન્ટને સમર્થન જાહેર કર્યા બાદ આજે ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પોતાના ગામ વાસણીયા ખાતે મહાદેવની પુજા અર્ચના કરી આર્શીવાદ મેળવી કોંગ્રેસ ભાજપ સામે ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
કોંગ્રેસ સાથે શંકરસિંહ છેડો ફાડ્યા બાદ ગુજરાતના યુવાઓ દ્વારા રચવામાં આવેલ નવ રચીત જનવિકલ્પ ફ્રન્ટને શંકરસિંહે સમર્થન આપીને જનવિકલ્પ માટે ગુજરાતમાં આગામી ચુંટણીમાં પ્રચાર કરવાની જાહેરાત કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ આજે પોતાના ગામ વાસણીયા ખાતે આવેલ શિવ મંદિર ખાતે વાસણીયા મહાદેવની પુજા અર્ચન કરીને આર્શીવાદ મેળવી ગુજરાતમાં જનવિકલ્પ માટે આજથી ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યો છે.
શંકરસિંહ વાઘેલાએ વાસણીયાથી પોતાનો ચુંટણી પ્રચાર શરૂ કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતના યુવાઓ અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા માટે જનવિકલ્પને લઈને નિકળ્યો છુ અને પ્રજા સમજી વિચારીને જનવિકલ્પને સ્વીકારશે.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, ત્રીજા મોરચો ગુજરાતમાં સફળ થશે. લોકોને મળીને જનવિકલ્પને મજબુત કરવામાં આવશે. શંકરસિંહ વાઘેલા ભાજપ અને કોંગ્રેસ સામે આજથી ચુંટણીના મેદાનમાં ઉતર્યા છે અને પ્રવાસ દરમ્યાન જાહેર સભા કે સંમેલનોને બદલે સીધા જ લોકોને મળીને સીધા કનેકટ થવાનો પ્રયાસ કરશે.
વાસણીયાથી યાત્રા શરૂ કરનાર શંકરસિંહ આજે ઉમીયા માતાજીના મંદિર મહુડી ખાતે દર્શન કરી અંબાજી ખાતે માં અંબાજીના દર્શન કરી આર્શીવાદ મેળવશે.શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસ પ્રવાસ કરીને યાત્રાધામો ખાતે જશે અને આર્શીવાદ મેળવશે.વાસણીયા ખાતેથી ચુંટણી પ્રચારે નિકળેલા શંકરસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો અને સમર્થકો જાડાયા હતા.