વાસણભાઈ આહિર : અદના આદમીથી રાજ્યમંત્રી સુધીની સફર

પોતાના મત વિસ્તાર તથા કચ્છના પ્રાણ પ્રશ્નો માટે સતત જાગૃત એવા વાસણભાઈ આહિરનો આજે ૬૪મો જન્મદિન સેવાકાર્યો સાથે ઉજવાશે

અંજાર : વાસણભાઈ આહિર વિશે એવું કહેવાય છે કે કોઈ અજાણ્યો પણ તેમને એક વખત મળે અને ત્યારબાદ લાંબા અરસા બાદ તે વ્યક્તિ તેમને મળે ત્યારે તેને તેઓ તેના નામ સાથે બોલાવશે એટલી જબરદસ્ત યાદશક્તિ તેઓ ધરાવે છે. ૩૦ જુલાઈ ૧૯પ૮ના રતનાલ ખાતે જન્મેલા અને પ્રાથમિક શિક્ષણ મેળવેલા વાસણભાઈનો મુળ વ્યવસાય ખેતી છે. સ્કૂલકાળથી જ તેમનામાં જાહેર જીવનમાં આગળ વધવાની મહત્ત્વકાંક્ષા હતી, જે તેઓ વર્ષ ૧૯૮૦ થી ૧૯૯૯ સુધી રતનાલ ગ્રામ પંચાયતના સરપંચ પદે રહી પૂરી કરી અને ગામના વિકાસ માટે સતત જાગૃતિ દાખવી, જેના કારણે રતનાલ ગ્રામ પંચાયતને વર્ષ ૧૯૮૪-૮પમાં શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.નેતૃત્વના ગુણ થકી તેઓએ વર્ષ ૧૯૭પ થી ૮૦ સુધી રતનાલ નવયુવક જાગૃતિ મંડળના પ્રમુખ પદે સેવા આપી હતી. વર્ષ ૧૯૮૩ થી ૯પ સુધી કચ્છ જિલ્લા આહિર મંડળના પ્રમુખ પદે, ૧૯૯૦ થી ૧૯૯પ સુધી કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તથા ૧૯૯પ થી ર૦૦૦ તેમજ ર૦૦૬થી તેઓ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. આ ઉપરાંત ૧૯૯૩ થી ૧૯૯પ અંજાર તાલુકા ભારતીય જનતા પાર્ટી તેમજ કચ્છ આહિર સમાજના ઉપપ્રમુખ પદે કાર્યરત રહ્યા હતા. વર્ષ ૧૯૯૦ થી ૯૩ સુધી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રહ્યા હતા. તેઓ અખિલ ભારત યાદવ મહાસભામાં વર્ષ ર૦૦૬થી કાર્યરત છે. તેઓ અખિલ ગુજરાત આહિર યાદવ સમાજના કાર્યકારી પ્રમુખ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘમાં ર૦૦૩થી કાર્યરત કારોબારી સભ્ય, ઓલ ઈન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટના કાર્યરત સભ્ય, ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના આજીવન સભ્ય, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અંજારના વર્ષ ૧૯૯ર-૯૬ તથા ર૦૦પ થી ર૦૦૯ સુધી ડાયરેક્ટર પદે સેવા આપી હતી.પોતાની લોકસેવાનો વ્યાપ વધુને વધુ વિસ્તરે અને લોકહિતના કાર્યો થાય તે માટે તેમણે વર્ષ ૧૯૯પમાં વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય માટે ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી અંજાર બેઠક પરથી ઝંપલાવ્યું હતું અને વિજયી બન્યા હતા. તેઓ દસમી ગુજરાત વિધાનસભા – ૧૯૯૮ થી ર૦૦ર, બારમી ગુજરાત વિધાનસભા ર૦૦૭ થી ૧ર તથા તેરમી ગુજરાત વિધાનસભા ર૦૧ર થી ૧૭ તથા ર૦૧૮થી આજપર્યંત તેઓ ધારાસભ્ય પદે કાર્યરત છે અને ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ, કુટિર અને મીઠા ઉદ્યોગ, સંસદીય સચિવશ્રી, પાણી પુરવઠા, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ સહિતના મહત્ત્વના ખાતા સંભાળી ચૂક્યા છે અને હાલે પણ રાજ્યમંત્રી તરીકે ર૮ ડિસેમ્બર ર૦૧૭થી સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ ખાતુ સંભાળી રહ્યા છે.લોકોની નાડ પારખવામાં પાવરઘા એવા વાસણભાઈ આહિર પોતાનો મત વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર પોતાના તળપદી ભાષણ થકી લોકોમાં ચાહના ધરાવે છે. તેમની મહત્વકાંક્ષાનો એક દાખલો ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજાયેલી ચૂંટણી સભામાં નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પદે ઉભેલા ઉમેદવારોનો પરિચય કરાવ્યો હતો ત્યારે આ સભામાં વાસણભાઈ આહિરે નરેન્દ્રભાઈ મોદી સમક્ષ લાલ લાઈટવાળી ગાડીની મહત્ત્વકાંક્ષાની જાહેરમાં ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમની તે મહત્ત્વકાંક્ષા ગુજરાત સરકારે પુરી કરી દીધી હતી અને આજપર્યંત તેમની પાસે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાયમ છે.