વાવાઝોડા બાદ વરસાદની શકયતાના પગલે તંત્ર સતર્ક : સાવચેતી અને સલામતી બાબતે જરાયે કચાશ નહીં

હાલે વાવાઝોડાંના ટ્રોપિટલ સાયકલોનમાં તીવ્રતાના ક્રમશઃ ઘટાડા બાદ કચ્છ જિલ્લામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગળ મુજબ વાવાઝોડું ક્રમશઃ નબળું પડી રહયું છે. તકેદારીના પગલાંરૂપે તમામ વિભાગો સાથે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. “તૌકતે” વાવાઝોડા સામે તકેદારીના પગલા અન્વયે જિલ્લામાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રભારી સચિવશ્રી જે.પી.ગુપ્તા તેમજ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતામાં વાવાઝોડાની સંભવિત ખતરાને પહોંચી વળવા માટે તાલુકાવાર લાયઝન અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. જિલ્લામાં તમામ તાલુકામાં કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ તેમજ લાઇન ડિપાર્ટમેન્ટ જેવા કે પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ, નગરપાલિકા કચેરી, માર્ગ અને મકાન વિભાગ (રાજય/પંચાયત), મદદનીશ મત્સ્યધોગ ડિપાર્ટમેન્ટના કન્ટ્રોલરૂમ જિલ્લાકક્ષા તેમજ તાલુકા કક્ષાએ કાર્યરત રખાયા છે. સાવચેતી અને સલામતીના પગલા રૂપે વાવાઝોડાની અસરની સંભાવના ધરાવતા ૯૨ ગામના ૩૨૮૦૬ લોકોને સલામત સ્થળે કોવીડ પ્રોટોકોલ સાથે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. સાઈકલોનની સંભવિત તીવ્ર અસરને ધ્યાને લઇ તમામ તાલુકામાં નિમણુંક કરેલ લાયઝન અધિકારીઓ અને અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા ફિલ્ડ વિઝીટ કરી આગોતરા આયોજન અંગે કામગીરી તથા સમીક્ષા કરવામાં આવી હતી. તમામ સબડીવીઝનમાં પ્રાંત અધિકારીશ્રીના વડપણ હેઠળ તમામ મામલતદારશ્રીઓ અને અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સુનિશ્ચિત કરી છે. જિલ્લામાં કોવીડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં લઇને ડી.જી.સેટ તથા તેનો પુરતો ફયુઅલ અને પુરતો ઓકિસજનના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરી તથા વધારાના મેડીકલ અને સીવીલ સ્ટાફને કોવીડ-૧૯ હોસ્પિટલોમાં તથા કોવીડ કેર સેન્ટરોએ ૨૪X૭ કાર્યરત રાખવામાં આવ્યા છે. તા.૧૭/૫/૨૧ના સાંજે સૌરાષ્ટ્ર કાંઠે લેન્ડફોલ થઇ પસાર થયેલ છે. લેન્ડફોલ બાદ ટ્રોપિકલ સાયકલોન તીવ્રતામાં ક્રમશ ઘટાડો થઇ રહેલ છે. હાલે મધ્ય ગુજરાત ઉપર થઇ ડિપ ડિપ્રેશનના સ્વરૂપે વરસાદ સાથે આગળ વધી રહેલ છે. વાવાઝોડાની અસર હેઠળ જિલ્લામાં છુટો છવાયો વરસાદ નોંધાયેલ છે. તેમ છતાં હાલે ગાંધીધામ અને ભુજ ખાતે NDRF ની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે. તમામ વિભાગો સાથે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. અત્રેના જીલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ હાલ કોઇ જાનમાલને નુકશાન થયેલ નથી. હવામાન ખાતાની (IMD) આગાહી તથા તે મુજબ વાવાઝોડું ક્રમશ નબળું પડી રહયું છે. જેની અસર હેઠળ મધ્યમથી ભારે વરસાદની શકયતા રહેલ છે તેવું ડીઝાસ્ટર મામલતદારશ્રી સી.આર.પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.