વાવાઝોડાને પગલે જાહેર થયેલી કેશ ડોલ્સ સહાય કચ્છને નહીં મળે જિલ્લામાં કોઈ ખાસ વ્યક્તિગત નુકશાની ન હોવાથી નીલ રીપોર્ટ ભરાયા (બ્યુરો દ્વારા)

ભુજ : ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને પગલે સરકાર દ્વારા કેશ ડોલ્સ સહાયની જાહેરાત કરાઈ છે, પરંતુ સરહદી કચ્છમાં વાવાઝોડાને કારણે કોઈ ખાસ વ્યક્તિગત જાનમાલને નુકશાની ન થતા કેશ ડોલ્સ સહાય કચ્છમાં નહીં ચુકવાય.
આ અંગેની વિગતો મુજબ ગુજરાતમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડામાં થયેલી નુકશાનીને પગલે સરકાર દ્વારા ઠેર ઠેર સર્વે કરીને વળતર ચુકવવા કામગીરી હાથ ધરાઈ છે. જેમાં કચ્છ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના સુત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, દરેક તાલુકાના પ્રાંત અધિકારીઓ પાસેથી વાવાઝોડાના કારણે કોઈ નુકશાની થઈ હોય તો તેની વિગતો આપવા જણાવાયું હતું, જેમાં સરકારની નિયત ગાઈડલાઈન મુજબ વાવાઝોડાના કારણે કોઈ જાન માલને નુકશાની થઈ હોય તે મુજબની કેશ ડોલ્સ સહાય ચુકવાય છે. જેથી દરેક વિભાગના પ્રાંત અધિકારીને રીપોર્ટ કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું. દરમ્યાન ‘કચ્છઉદય’એ મુખ્યત્વે કાંઠાળ વિસ્તારના તાલુકાઓના પ્રાંત અધિકારીઓ સાથે વાતચીત કરતા કચ્છમાં વ્યક્તિગત રીતે જાનમાલને કોઈ નુકશાની થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. અબડાસાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, વાવાઝોડાને પગલે દરિયાકાંઠે વસતા લોકો અને માછીમારોનું સ્થળાંતર કરાયું હતું, તેમના માટે ખાવા – પીવા અને રહેવાની સુવિધાઓ કરાઈ છે, જેથી વાવાઝોડાને પગલે કોઈ જાનમાલને હાની પહોંચી હતી. પરિણામે નીલ રીપોર્ટ તૈયાર કરીને મોકલાશે, તેવું ઉમેર્યું હતું. તેવી જ રીતે માંડવી – મુંદરાના પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી અને અંજારના પ્રાંત અધિકારી ડો. વિમલ જાેષી સાથે વાત કરતા તેઓએ પણ ઉમેર્યું હતું કે, તેમના વિસ્તાર હેઠળ કરાયેલા સર્વેમાં કોઈ જાનમાલને નુકશાની પહોંચી નથી, જેથી નીલ રીપોર્ટ તૈયાર કરીને મોકલાશે.
નોંધનીય છે કે, કચ્છમાં વાવાઝોડાની નહીવત અસર થવા પામી હતી. જાહેર મિલકતોમાં પીજીવીસીએલના પોલ ધરાશાયી થયા હતા, તો ફીડરોને નુકશાની પહોંચી હતી. જાહેર સ્થળોએ કેટલાક ઝાડ પડી ગયા હતા. આ સિવાય જિલ્લામાં વ્યક્તિગત રીતે જાનહાની કે ભારે પવન અને વરસાદથી મકાન પડી જવાના કે અન્ય બનાવો બન્યા નથી, તેથી સ્વાભાવિક છે કે, કચ્છમાં રાજય સરકારની કેશ ડોલ્સ સહાય ન મળી શકે.